અમૃતા અને ઇમરોઝની અદ્ભુત પ્રેમ કહાનીનો અંત; કવિ અને ચિત્રકાર ઈમરોઝે દુનિયાને કહ્યું અલવિદા - मैं तुझे फिर मिलूँगी
અમૃતા અને ઇમરોઝની અદ્ભુત પ્રેમ કહાનીનો આજે અંત આવ્યો. આ પ્રેમ કહાણીના મહત્વના પાત્ર ઇમરોઝનું મુંબઈના કાંદિવલી ખાતેના તેમના નિવાસસ્થાને નિધન થયું. તેઓ 97 વર્ષના હતા. ઇમરોઝ વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા. તેમના નિધન પર સાહિત્ય જગતે શોક વ્યક્ત કર્યો છે.
આજે જાણે કે અમૃતા ફરી ઈમરોઝને મળશે એક બીજી દુનિયામાં. પરંતુુ આપણે ફરી આવી રોમાચંક લવસ્ટોરીના સાક્ષી નહિ બની શકીએ. પ્રેમનો જાણે કે એક અધ્યાય હતા અમૃતા-ઈમરોઝ, જે આજે પૂર્ણ થયો. કેટલીક કહાણીઓ ઈતિહાસના પાનાં પર દર્જ થઈ જાય છે અને પછી બસ વહેતી રહે છે નદીની જેમ..
मैं तुझे फिर मिलूँगी कहाँ कैसे पता नहीं शायद तेरे कल्पनाओं की प्रेरणा बन तेरे केनवास पर उतरुँगी या तेरे केनवास पर एक रहस्यमयी लकीर बन ख़ामोश तुझे देखती रहूँगी मैं तुझे फिर मिलूँगी कहाँ कैसे पता नहीं
- अमृता प्रीतम
અમૃતાના મૃત્યુના લગભગ 18 વર્ષ બાદ ઇમરોઝે પણ આ દુનિયાને અલવિદા કહી દીધું. જાણે કે પ્રેમની એક જીવતી જાગતી મિશાલ આજે બુઝાઈ ગઈ. ઈમરોઝનું નામ લેતા જ આપણને અમૃતા પ્રીતમનો ચહેરો નજરે પડે. ઈમરોઝ એટલે અમૃતા પ્રીતમનો કહાણીઓ અને કવિતાઓ અને જીવનનો એક મહત્વનો હિસ્સો. તેમની નજીકના લોકોએ જણાવ્યું હતું કે તેઓ વારંવાર અમૃતાને યાદ કરતાં હતા અને કહેતા હતા તે અહીં જ મોજુદ છે.
દર વર્ષે આજે પણ યુવાનો વેલેન્ટાઈન ડેના દિવસે પોતાના વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર ઇમરોઝ અને અમૃતાનો ફોટો લગાવતા હોય છે. આમ તો ખુબ જ ઓછા તેઓના સાથે હોય તેવા ફોટોગ્રાફ્સ હાલ ઇન્ટરનેટ પર ઉબલબ્ધ છે. છતાં જો તેમના જીવનચરિત્રો વાંચો તો તેમણે સાથે જીવીલી એક-એક ક્ષણને તમે કલ્પી શકો. અમૃતા જયારે રાજ્યસભામાંથી ઘરે આવવા નીકળે ત્યારે ઇમરોઝ પોતાનું સ્કૂટર લઈને રાજ્યસભાના ગેટ આગળ ઉભો રાહ જોતો હોય એ ક્ષણને વાંચો તો આબેહૂબ એવું જ દ્રશ્ય તમારા માનસપટ પર ઉપસી આવે.
અમૃતા અને ઇમરોઝ
અમૃતા કિચનમાં શાક બનાવતી હોય અને ઇમરોઝ રોટલીનો લોટ બંધાતો હોય તે ઘટના વાંચો તો તેનું પણ ચિત્ર આખો સામે આવી જાય છે. આટલો ઉત્કટ પ્રેમ હોવા છતાં અને ઇમરોઝની પ્રેમની લાગણીથી વાકેફ હોવા છતાં અમૃતા સાહિરને ભૂલી શકી નહીં. બીબીસી ઉર્દૂને આપેલા ઈન્ટરવ્યુમાં ઈમરોઝે એક વખત જે શબ્દો કહ્યા તે બતાવવા માટે પૂરતા છે કે સાહિર છેલ્લી ઘડી સુધી અમૃતાના દિલ અને દિમાગમાં રહ્યા. ઇમરોઝે તે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "અમૃતાની આંગળીઓ હંમેશા કંઇક ને કંઇક લખતી હતી." તેના હાથમાં પેન હોય કે ન હોય. મારી પાછળ બેસીને તેણે મારી પીઠ પર ઘણી વાર આંગળીઓ વડે સાહિરનું નામ લખ્યું છે. પણ તેનાથી શું ફરક પડે છે? જો તે સાહિર ને ચાહે છે એમ જ હું એને ચાહું છું."
અમૃતા અને ઇમરોઝની અદ્ભુત પ્રેમ કહાની
અમૃતા જ્યારે શાંત રાત્રિના લખતાં હોય ત્યારે ઇમરોઝ ચાનો કપ આપી જતાં. ઇમરોઝ અમૃતાના જીવનમાં આવનાર ત્રીજો વ્યક્તિ હતો. જોકે તે આખી જિંદગી સાહિરને પ્રેમ કરતી રહી. અમૃતા ઇમરોઝને ઘણી વાર કહેતી હતી- 'इमरोज़ तुम मेरी ज़िंदगी की शाम में क्यों मिले, दोपहर में क्यों नहीं' - अमृता प्रीतम
26 જાન્યુઆરી, 1926ના રોજ પંજાબમાં જન્મેલા ઈન્દ્રજીતની મુલાકાત 1966માં અમૃતા સાથે થઈ હતી. તેઓ અમૃતા સાથે એક કલાકાર તરીકે જોડાયા અને ત્યાંથી તેમનું નામ બદલીને રાખ્યું ઇમરોઝ. બસ ત્યારથી દુનિયા તેમને ઈમરોઝના નામથી ઓળખે છે. તેમની અને અમૃતાની મિત્રતા ગાઢ બની. અમૃતાના છૂટાછેડા થયા હતા અને 2 બાળકોની માતા હતી, તે સાહિર સાથે પ્રેમમાં હતી અને ઇમરોઝ અમૃતા સાથે હતા. એક છત નીચે રહેતા હોવા છતાં અમૃતા અને ઇમરોઝ વચ્ચે શારીરિક સંબંધો નહોતા. લોકો તેને પ્લેટોનિક પ્રેમ માને છે.
અમૃતા અને ઇમરોઝની અદ્ભુત પ્રેમ કહાની
ઇમરોઝ અને અમૃતા પ્રિતમ બન્નેએ લગ્ન ન હતા કર્યા પરંતુ તેઓ 40 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા હતા. બંનેની લવ સ્ટોરી હંમેશા ચર્ચામાં રહી. ઈમરોઝનું અસ્તિત્વ જાણે કે અમૃતામાં એકાકાર થઈ ગયું હતું. અમૃતાએ ઇમરોઝને કહ્યું હતું કે "આખી દુનિયા ફર્યા પછી પણ જો તને લાગે છે કે તું મારી સાથે રહેવા માંગે છે, તો હું તને તારી રાહ અહીં મળીશ. તે સમયે ઇમરોઝ તેના રૂમમાં ચક્કર મારીને અમૃતાને કહ્યું કે લો, ફરી લીઘી દુનિયા, મારે હજી પણ તારી સાથે જ રહેવું છે.
સાહિર લુધિયાનવી ઉપરાંત અમૃતા પ્રીતમે પોતાની આત્મકથા 'રસીદી ટિકિટ'માં પોતાની અને ઇમરોઝ વચ્ચેના આત્મિક સંબંધોને પણ વર્ણવ્યા છે. આ પુસ્તકમાં અમૃતાએ સંબંધોના અનેક સ્તરો ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે.
અમૃતા અને ઇમરોઝની અદ્ભુત પ્રેમ કહાની
ઇમરોઝ એક પ્રખ્યાત ચિત્રકાર પણ હતા. તેમણે ઘણા પુસ્તકોના કવર ડિઝાઇન કર્યા હતા. ઇમરોઝે જગજીત સિંહની 'बिरहा दा सुल्तान' અને બીબી નૂરનની 'कुली रह विच' સહિત ઘણા પ્રખ્યાત એલપીના કવર ડિઝાઇન કર્યા હતા. જીવનના અંત સુધી તેમની પીંછી પુસ્તકોમાં રંગ ભરતી રહી. 31 ઓક્ટોબર 2005ના રોજ અમૃતાનું અવસાન થયું. અમૃતાના મૃત્યુ પછી ઇમરોઝે લગભગ ગુમનામીભર્યું જીવન જીવતા રહ્યા. ઇમરોઝે તેના છેલ્લા વર્ષોમાં લોકોને મળવાનું બંધ કરી દીધું હતું.
ઇમરોઝના નિધનની પુષ્ટિ તેમના નજીકના મિત્ર અમિયા કુંવરે કરી હતી. તેમણે જણાવ્યું કે, "ઈમરોઝ થોડા દિવસોથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે પાઇપ વડે ખોરાક ખાઈ રહ્યો હતો, પરંતુ તે અમૃતાને એક દિવસ પણ ભૂલી શક્યો ન હતો. તેણે કહ્યું, 'અમૃતા અહીં છે, તે અહીં છે. અહીં જ. ઇમરોઝે ભલે આજે ભૌતિક દુનિયા છોડી દીધી હોય, પરંતુ તે માત્ર અમૃતા સાથે સ્વર્ગમાં ગયો છે.