ગાંધીનગર:24 જુલાઇના રોજ ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાશે. વિદેશ પ્રધાન એસ. જયશંકર રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. આજે બપોરે 12.39 કલાકેના વિજય મુહૂર્તમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. 13 જુલાઈ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.
એસ.જયશંકરે ઉમેદવારી નોંધાવી: એસ.જયશંકર ગઇકાલ રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકોમાંથી પ્રથમ બેઠક માટે આજે ફોર્મ ભર્યું હતું. એસ. જયશંકરના નામાંકન વખતે CM ભૂપેન્દ્ર પટેલ, સી આર પાટીલ સહિત 10 ટેકેદારો હાજર રહ્યા હતા. ફોર્મ ભરતા પહેલા એસ.જયશંકર ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય પ્રધાનમંડળમાં પણ ફેરફાર થવાનો છે ત્યારે અને આવનારી લોકસભાની ચૂંટણી બાબતની પણ પ્રાથમિક ચર્ચા થઈ હોય તેવી માહિતી સૂત્ર તરફથી પ્રાપ્ત થઈ રહી છે.
ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મળ્યું:રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યા પછી ડૉ એસ જયશંકર કહ્યું કે સૌ પ્રથમ હું પીએમ મોદી, ભાજપ નેતૃત્વ અને ગુજરાતના લોકો અને ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. ચાર વર્ષ પહેલા મને રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મળ્યું હતું. છેલ્લા 4 વર્ષમાં પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં થયેલા પરિવર્તનનો હિસ્સો બનવાની મને તક મળી. મને આશા છે કે આવનારા 4 વર્ષમાં જે પ્રગતિ થશે તેમાં યોગદાન આપી શકીશ.
પાડોશી દેશોમાં સુધારો આવ્યો: ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે પાડોશી દેશો જોડે છેલ્લા 9 વર્ષમાં પાડોશી દેશો સાથે સંબંધ સારો થયો છે. નેપાળ બાંગ્લાદેશ ભૂટાન જેવા દેશો વચ્ચે વ્યાપાર પણ વધ્યો છે. સંબંધમાં સુધારો આવ્યો છે. સુરક્ષાની વાત કરવામાં આવે તો દેશની સુરક્ષા પણ વધારો થયો છે. જ્યારે પાકિસ્તાનનું નામ દીધા વગર એસ. જયશંકરે નિવેદન આપ્યુ હતું કે એક પાડોશી દેશ એવો છે કે જે આતંકવાદ બાબતે પહેલેથી પડકાર હતો. અમે તેમનો મુકાબલો કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે મોદી સરકાર દેશને તમામ સમય સુરક્ષિત રાખી શકશે અને પાડોશી દેશોમાં પણ સુધારો આવ્યો છે.