નવી દિલ્હી : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) સોમવારે કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ વધુ પેન્શન માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. નિવૃત્તિ ભંડોળનું સંચાલન કરતી સંસ્થાએ જણાવ્યું હતું કે, સભ્યો અને તેમના નોકરીદાતાઓ આ માટે સંયુક્ત રીતે અરજી કરી શકશે.
સુપ્રીમ કોર્ટે એક નિર્ણય : આ ઉપરાંત નવેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે એક નિર્ણય આપ્યો હતો. આ અંતર્ગત કોર્ટે એમ્પ્લોઈઝ પેન્શન (સુધારા) સ્કીમ, 2014ને સમર્થન આપ્યું હતું. 22 ઓગસ્ટ 2014ના રોજ, EPS સુધારા દ્વારા પેન્શનપાત્ર પગાર મર્યાદા 6,500થી વધારીને 15 હજાર કરવામાં આવી હતી. આ રકમ દર મહિને છે. આ સાથે, સભ્યોને EPSમાં તેમના એમ્પ્લોયરને તેમના મૂળ પગારના 8.33 ટકા ફાળો આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
ટૂંક સમયમાં પ્રક્રિયા શરુ : માહિતી આપતાં, EPFOએ એમ પણ કહ્યું છે કે, આ પ્રક્રિયા ટૂંક સમયમાં જ ઓનલાઈન શરૂ થશે. તેનું URL (યુનિક રિસોર્સ લોકેશન) ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. પ્રાદેશિક પીએફ કમિશનર તેના વિશે માહિતી આપશે. દરેક અરજીની નોંધણી EPFOના આદેશ અનુસાર કરવામાં આવશે. ત્યારબાદ ડિજિટલ લોગ ઈન કરીને અરજદારને રસીદ નંબર આપવામાં આવશે. વધુમાં જણાવે છે કે સંબંધિત પ્રાદેશિક ભવિષ્ય નિધિ કચેરીના પ્રભારી અધિકારી ઉચ્ચ પગાર પર સંયુક્ત વિકલ્પના દરેક કેસની તપાસ કરશે. આ પછી અરજદારને ઈ-મેલ-પોસ્ટ દ્વારા અને બાદમાં SMS દ્વારા નિર્ણય વિશે જાણ કરવામાં આવશે.
EPFOએ ડિસેમ્બરમાં 14.93 લાખ નવા સભ્યો ઉમેર્યા :કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ડિસેમ્બર, 2022માં ચોખ્ખા ધોરણે 14.93 લાખ નવા સભ્યો ઉમેર્યા છે. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં બે ટકા વધુ છે. શ્રમ મંત્રાલયે આ માહિતી આપી છે. EPFOના પ્રારંભિક પેરોલ ડેટા સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે ડિસેમ્બર 2022માં સભ્યોની સંખ્યામાં 14.93 લાખનો વધારો થયો છે.