જમ્મુ:ભારત દેશનો સૌથી સેન્સેટીવ વિસ્તાર એટલે કાશ્મીર. જમ્મુમાં અવાર-નવાર આતંકવાદી ઘૂસી જતા હોય છે. જેના કારણે ભારતીય જવાનો હંમેશા લોકોની સેવામાં હાજર રહે છે. પછી ઠંડી હોય કે ગરમી કે પછી વરસાદ. ફરી એક વખત જમ્મુ-કાશ્મીર રાજૌરી જિલ્લાના કાંડી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. આ દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં બેથી વધુ આતંકીઓ ફસાયેલા છે. હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. જમ્મુના ADGP મુકેશ સિંહે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા હાઈ એલર્ટ પર છે. મળતી માહિતી અનૂસાર J&Kના રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનામાં 2 જવાન શહીદ થયા છે અને અનેક ઘાયલ પણ થયા હોવાની વિગતો સુત્રો આધારે મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં આ ત્રીજી ઘટના છે.
9 વાગ્યે એન્કાઉન્ટર શરૂ:રાજૌરીના કાંડી વિસ્તારમાં સવારે લગભગ 9 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરક્ષા દળોને કાંડી વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. આ પછી, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું . આ દરમિયાન જ્યારે સુરક્ષાદળો આતંકીઓ તરફ આગળ વધ્યા ત્યારે જ તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ પણ બચાવમાં ગોળીબાર કર્યો હતો. આ પછી બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો. હજુ સુધી કોઈ આતંકીના મોતના સમાચાર પ્રાપ્ત થયા નથી.