શ્રીનગરઃજમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. માહિતી અનુસાર સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસે માઇક્રો-બ્લોગિંગ સાઇટ X (અગાઉ ટ્વિટર) પર કહ્યું હતું કે પુલવામાના લેરો-પેરીગામ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે છે.
સર્ચ ઓપરેશન શરૂ:સુરક્ષા દળના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને હુમલામાં સામેલ આતંકવાદીઓને શોધવા માટે ક્વોડકોપ્ટરનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ક્વાડકોપ્ટર એક ખાસ પ્રકારનું ડ્રોન છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જૂથ હજુ પણ દક્ષિણ કાશ્મીરમાં છે અને પીર પંજાલ પર્વતમાળાની બીજી તરફ ગયું નથી. અમે આશા રાખીએ છીએ કે તેઓ પાર થાય તે પહેલાં તેમનો સામનો કરીશું.
કુલગામ જિલ્લામાં ઓચિંતા હુમલા:ઉલ્લેખનીય છે કે આ પહેલા રવિવારે જ આ મહિનાની શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ઓચિંતા હુમલામાં સામેલ આતંકવાદીઓની શોધ ચાલુ હતી. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા હતા. સુરક્ષા અધિકારીઓએ સંકેત આપ્યો કે આ જ જૂથ આ વર્ષે રાજૌરી અને પૂંચમાં થયેલા હુમલામાં પણ સામેલ હતું.