ઉરી:ઉરીમાં આતંકીઓ, સેના અને બારામુલા પોલીસ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. કાશ્મીર ઝોન પોલીસે શનિવારે સવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. પોલીસે ટ્વિટ કર્યું કે બારામુલ્લા જિલ્લાના ઉરી, હથલંગાના ફોરવર્ડ વિસ્તારમાં આતંકવાદીઓ અને સેના અને બારામુલ્લા પોલીસ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, નવીનતમ અપડેટ એ છે કે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.
અતંતનાગમાં એન્કાઉન્ટર ચાલુ: ઉલ્લેખનીય છે કે બુધવારે આતંકી હુમલામાં સેનાના ત્રણ અધિકારી અને એક જવાન શહીદ થયા હતા. જે બાદ અતંતનાગમાં એન્કાઉન્ટર ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહાડી વિસ્તારમાં જંગલ વિસ્તાર પર કબજો જમાવનાર આતંકવાદીઓના લોકેશનને શોધવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. શનિવારે કોકરનાગના ગડોલના જંગલ વિસ્તારમાં સેના અને પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.