નવી દિલ્હીઃસોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક વીડિયો લોકોને ઈમોશનલ કરી રહ્યો છે. આ વીડિયોમાં બે સગા ભાઈઓ 74 વર્ષ પછી એકબીજાને મળી રહ્યા છે. એવું કહેવાય છે કે, કરતારપુર સાહિબ કોરિડોર (kartarpur sahib corridor) પર 74 વર્ષ (Reunion of two brothers after 74 years) પછી બે અલગ પડેલા ભાઈઓ મળ્યા હતા. દેશના ભાગલા વખતે બન્ને ભાઈઓ અલગ થઈ ગયા હતા. આટલા વર્ષો પછી બન્ને મળ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા તેઓ લાંબા સમય સુધી રડતા રહ્યા હતા. બન્ને ભાઈઓની ઓળખ મુહમ્મદ સિદ્દીક અને ભારતમાં રહેતા તેના ભાઈ હબીબ ઉર્ફે શેલા તરીકે થઈ છે.
મોહમ્મદ સિદ્દીક પાકિસ્તાનના ફૈસલાબાદ અને તેનો ભાઈ શેલા ભારતના પંજાબમાં રહે છે
મોહમ્મદ સિદ્દીકની ઉંમર 80 વર્ષ છે અને તે પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરમાં રહે છે, તેનો ભાઈ હબીબ ઉર્ફે શેલા ભારતના પંજાબમાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિભાજન દરમિયાન હબીબ તેની માતા સાથે તેની મામાના ઘરે આવ્યો હતો, જે પંજાબમાં છે. વિભાજન પછી હત્યાકાંડ શરૂ થયો ત્યારે તે પાકિસ્તાન જઈ શક્યો ન હતો. પરિવારજનોએ તેના પિતા અને મોટાભાઈ વિશે માહિતી મેળવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે મળ્યો નહીં.