બિહાર : લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં CBI અને ED સતત કાર્યવાહી કરી રહી છે. એક તરફ સીબીઆઈના અધિકારીઓ પૂછપરછ કરીને ફાઈલને જાડી કરવામાં લાગેલા છે તો બીજી તરફ EDના અધિકારીઓ મિલકતોની વિગતો એકત્ર કરી રહ્યા છે. આ પ્રકરણમાં શુક્રવારે EDએ 12 કલાકથી વધુ સમય સુધી દેશમાં 24 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં લાખો રૂપિયા અને જ્વેલરી પણ મળી આવી છે.
600 કરોડની બેનામી સંપતિ મળી આવી - આ મામલામાં EDની વાત માનીએ તો 600 કરોડની ગરબડ મળી આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાલુ યાદવના પરિવાર અને તેમના સહયોગીઓ દ્વારા વિવિધ સ્થળોએ રિયલ એસ્ટેટ સહિત વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલા રોકાણને શોધવા માટે તપાસ ચાલી રહી છે.
1 કરોડ રોકડ રકમ મળી આવી -એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ લાલુ યાદવના નજીકના અને પરિવારના સભ્યોના સ્થળોએથી 1 કરોડ રૂપિયા રોકડા તેમજ 1900 યુએસ ડોલર જપ્ત કર્યા છે. આ ઉપરાંત 540 ગ્રામ સોનાના બિસ્કિટ, દોઢ કિલો વજનના સોનાના ઘરેણા પણ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીના અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. EDએ તેની સત્તાવાર સાઇટ પરથી રિકવરી અંગે ટ્વિટ પણ કર્યું છે.
24 જગ્યાઓ પર રેડ કરવામાં આવી હતી - અત્રે એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે નોકરી કૌભાંડ માટે જમીનના મામલામાં CBIએ સૌથી પહેલા બિહારના પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવીની પૂછપરછ કરી હતી. બીજા દિવસે CBIની ટીમે દિલ્હીમાં લાલુ યાદવની પૂછપરછ કરી છે. આ પછી EDએ ઝડપી કાર્યવાહી કરી હતી. પટના, દિલ્હી, મુંબઈ, રાંચી સહિત દેશના 24 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
દેશનું રાજકારણ ગરમાયું - આ દરોડા બાદ બિહાર સહિત દેશનું રાજકારણ ગરમાયું હતું. વિપક્ષી નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, દરેકે એક અવાજે આ કાર્યવાહીની સખત નિંદા કરી હતી. લાલુ પ્રસાદ યાદવે તો ત્યાં સુધી કહ્યું કે મારી પુત્રવધૂ ગર્ભવતી છે, તેને પણ 13 કલાક સુધી બેસાડી રાખવામાં આવી હતી.