નવી દિલ્હીઃયુનેસ્કોની સાઉદી અરેબિયામાં વર્લ્ડ હેરિટેજ કમિટિનું 45મુ અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થા શાંતિનિકેતનને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો અપાયો છે. આ સમાચાર મળતા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી, વિદેશ પ્રધાન એસ. જયશંકર તથા યુનેસ્કોના કાયમી પ્રતિનિધિ વિશાલ શર્માએ ખુશી વ્યક્ત કરી છે અને પોત પોતાના પ્રતિભાવ આપ્યા છે.
શાંતિનિકેતનની ભવ્યતાઃ યુનેસ્કોએ શાંતિનિકેતનને વર્લ્ડ હેરિટેજનું સ્ટેટસ આપતા શાંતિનિકેતનની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ગરિમાને યોગ્ય માન સન્માન પ્રાપ્ત થયું છે. તત્વચિંતક અને સ્વપ્નદ્રષ્ટા કવિ એવા ગુરૂદેવ ટાગોરે 1901માં પરંપરાગત ભારતીય મૂલ્યો જળવાઈ રહે તે હેતુથી શાંતિનિકેતન નામક રેસિડેન્શિયલ સ્કૂલની સ્થાપના કરી હતી.આ સંસ્થામાં ગુરૂદેવ રવિન્દ્રનાથના એકતા અને માનવતા પ્રત્યેના સિદ્ધાંતો અને મૂલ્યોની સાંગોપાંગ જાળવણી થતી હતી. 1921માં અહીં વિશ્વભારતી નામની એક ખ્યાતનામ યુનિવર્સિટી પણ સ્થપાઈ હતી. આ સંસ્થા કવિવર ટાગોરના દૂરંદેશી યોજનાઓને પ્રતિબિંબીત કરે છે તેમજ પેન એશિયાની મોર્ડનિટીને પણ રજૂ કરે છે. ઉપરાંત સમગ્ર ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની પણ ભવ્ય અનુભૂતિ કરાવે છે.
વડા પ્રધાને ગૌરવવંતી ક્ષણ ગણાવીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ગૌરવવંતી ક્ષણને બિરદાવી છે. તેમણે એકસ હેન્ડલ પર પોસ્ટ કરી છે. ગુરૂવર રવિન્દ્રનાથ ટાગોરના વિઝન અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક હેરિટેજ વારસાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન આપ્યું છે. આ દરેક ભારતીય માટે ગૌરવવંતી ક્ષણ છે.
એસ. જયશંકરની પ્રતિક્રિયાઃ અનેક મહાનુભાવોએ શાંતિનિકેતનને યુનેસ્કો દ્વારા મળેલ વર્લ્ડ હેરિટેજ સ્ટેટસ પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ પ્રધાન એસ. જયશંકર કવિવર રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થા શાંતિનિકેતનને મળેલી ઉત્કૃષ્ટ શ્રદ્ધાંજલિ જણાવે છે. તેમને આ સિદ્ધિ બદલ સમગ્ર દેશને અભિનંદન પાઠવ્યા છે.