ચેન્નાઈ : તમિલનાડુમાં સતત વરસાદને પગલે સોમવારના રોજ રાજ્યના આઠ જિલ્લામાં શાળા અને કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યના કલ્લાકુરિચી, રાનીપેટ, વેલ્લોર અને તિરુવન્નામલાઈ જિલ્લાના સંબંધિત જિલ્લા કલેક્ટરોએ સોમવારના રોજ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે નાગપટ્ટિનમ, કિલવેલુર, વિલુપ્પુરમ અને કુડ્ડલોરમાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે.
હવામાન વિભાગની આગાહી : આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે (IMD) જણાવ્યું હતું કે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ક્યારેક ભારે વરસાદની પણ શક્યતા છે. દિવસ દરમિયાન ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. તમિલનાડુમાં બંગાળની ખાડીમાંથી ભેજના પ્રવાહ માટે અનુકૂળ પરિસ્થિતિ સાથે નીચા ઉષ્ણકટિબંધીય સ્તરે મજબૂત પૂર્વીય તથા ઉત્તર-પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે આ વિસ્તારમાં હાલ વરસાદ યથાવત છે.
સાર્વત્રિક વરસાદી આંકડા : હવામાન વિભાગના ડેટા અનુસાર તામિલનાડુના નાગાપટ્ટિનમમાં 7 જાન્યુઆરીના રોજ સવારે 8.30 વાગ્યાથી 8 જાન્યુઆરીના રોજ સવારે 5.30 વાગ્યાની વચ્ચે સૌથી વધુ 167 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે મુગલિવક્કમ GCC માં 53.4 મીમી વરસાદ નોંધાયો હતો, જે સૌથી ઓછો હતો. કરાઈકલ, પુડુચેરી, કુડ્ડલોર અને એન્નોર પોર્ટ AWS વિસ્તારોમાં 100 થી 90 mm વચ્ચે વરસાદ નોંધાયો હતો.
ચેન્નાઈમાં વરસાદની આગાહી : ચેન્નાઈના પ્રાદેશિક હવામાન કેન્દ્રએ (RMC) આગામી 3-4 દિવસમાં દક્ષિણ તમિલનાડુમાં કેટલાક સ્થળોએ, ઉત્તર તમિલનાડુમાં એક કે બે સ્થળોએ અને પુડુચેરી અને કરાઈકલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સિવાય આગામી 3 દિવસની આગાહીમાં વિલ્લુપુરમ, વેલ્લોર, ચેન્નાઈ, તિરુનેલવેલી, થૂથુકુડી, રામનાથપુરમ અને કન્યાકુમારી સહિતના વિવિધ સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે.
તમિલનાડુમાં તબાહી : આ વર્ષે તમિલનાડુમાં ભારે વરસાદ થયો છે. સૌ પ્રથમ ચક્રવાત મિચોંગના કારણે ચેન્નાઈ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસતા ગંભીર સ્થિતિ હતી. ભારે વરસાદના કારણે રાજ્યમાં કરોડો રૂપિયાની સરકારી અને ખાનગી મિલકતોને ભારે નુકસાન થયું છે.
- PM Modi : માલદીવના મંત્રીએ પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી, જાણો શું છે સમગ્ર મામલો
- Ram Mandir Ayodhya : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પાનીપતથી પહોંચશે 1 લાખ ધાબળા