નૂહ: હરિયાણાના ગેરકાયદેસર માઇનિંગ માફિયાઓનો ઉત્સાહ એટલો વધી ગયો છે કે, એક ડીએસપીને મોતને ઘાટ (DSP Murder In Haryana) ઉતારી દેવામાં આવે છે. મામલો હરિયાણાના નૂહ જિલ્લાનો છે. જ્યાં તાવડુ DSP સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ ગેરકાયદે માઈનિંગ માફિયા પર દરોડા પાડવા ગયા હતા, પરંતુ ગેરકાયદે માઈનિંગ સાથે જોડાયેલા લોકોએ તેમની હત્યા કરી નાખી હતી.
DSPને ડમ્પરથી કચડ્યા : કહેવામાં આવી રહ્યું છે કે, DSPને પચગાંવ વિસ્તારની પહાડીઓમાં ગેરકાયદેસર માઇનિંગની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ ગેરકાયદે ખનન માફિયાઓ પર દરોડા પાડવા ગયા હતા. આ દરમિયાન ખાણ માફિયાના લોકોએ તેના પર ડમ્પર ચઢાવ્યું હતું. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો:નરોડા પોલીસ સ્ટેશનમાં યુવકે કરી માથાકૂટ, જાતે સળગી ફસાવી દેવાની આપી ધમકી
આ વર્ષે નિવૃત્ત થવાના હતા DSP :DSPને કચડીને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા, ત્યારબાદ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો અને તેને નુહના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. DSPને ડમ્પર વડે ગેરકાયદે ખનન માફિયાઓએ કચડી નાખ્યાના સમાચારે પોલીસ વિભાગમાં દોડધામ મચાવી દીધી છે. નૂહમાં DSPની હત્યા બાદ હરિયાણામાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે.
હિસારમાં થશે અંતિમ સંસ્કાર : DSP સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ હરિયાણાના હિસાર જિલ્લાના રહેવાસી હતા. તેમના અંતિમ સંસ્કાર હિસારના સારંગપુરમાં કરવામાં આવશે. સુરેન્દ્ર સિંહને બે બાળકો છે, દીકરી બેંગ્લોરમાં બેંકમાં કામ કરે છે, જ્યારે દીકરો કેનેડામાં ભણે છે. સુરેન્દ્ર સિંહનો નાનો ભાઈ અશોક હરિયાણામાં સહકારી બેંકમાં ઓફિસર છે. અશોકે જણાવ્યું હતું કે, સવારે 8 વાગ્યે તેના ભાઈ સાથે ફોન પર વાતચીત થઈ હતી. તેણે કહ્યું હતું કે, તે ઘરે વહેલો આવી જશે, પરંતુ બપોરે તેના મૃત્યુના સમાચાર આવ્યા હતા. પરિવારમાં શોકનો માહોલ છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માગ છે.
DSPના પરિજનોને એક કરોડ : હરિયાણાના મુખ્પ્રધાન મનોહર લાલે જાહેરાત કરી છે કે, નૂહમાં માર્યા ગયેલા DSPના પરિવારને એક કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે. આ સાથે પરિવારના એક સભ્યને નોકરી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. હરિયાણા સરકાર ડીએસપી સુરેન્દ્ર સિંહને શહીદનો દરજ્જો આપશે. મુખ્યપ્રદાન મનોહર લાલે કહ્યું છે કે,DSPના હત્યારાઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. કોઈ દોષિતને બક્ષવામાં આવશે નહીં.
ગૃહપ્રધાનએ આપ્યા કડક કાર્યવાહીના આદેશ : હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજે આ મામલે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. અનિલ વિજે જણાવ્યું હતું કે, આરોપીઓને પકડવા માટે ગમે તેટલી પોલીસ ફોર્સની જરૂર હોય, પછી ભલેને નજીકના જિલ્લાઓમાંથી પોલીસ બોલાવવી પડે. કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.
વિપક્ષે સરકાર પર ઉઠાવ્યા સવાલ : DSPને ડમ્પર વડે કચડી નાખવાના મામલામાં કોંગ્રેસ સરકાર પર આક્રમક બની છે. વિપક્ષના નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાએ કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, હરિયાણામાં માફિયા રાજ ચાલી રહ્યું છે અને આ સરકારમાં તેમને સુરક્ષા મળી રહી છે. જ્યારે હરિયાણામાં પોલીસ જ સુરક્ષિત નથી તો સામાન્ય માણસની સુરક્ષા કેવી રીતે થશે.
હત્યાનો કેસ નોંધીને દોષિતોની વહેલી તકે ધરપકડ કરવામાં આવે :કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલાએ હરિયાણામાં ડીએસપીની હત્યાની ન્યાયિક તપાસની માગ કરી છે. તેમણે કહ્યું કે, હાઈકોર્ટના સીટીંગ જજ આ મામલાની તપાસ કરાવે અને હત્યાનો કેસ નોંધીને દોષિતોની વહેલી તકે ધરપકડ કરવામાં આવે. સુરજેવાલાએ કહ્યું કે, ભાજપના શાસનમાં માઈનીંગ માફિયાઓ ફૂલીફાલી રહ્યા છે. હરિયાણામાં યમુનાનગરથી મેવાત સુધી માઈનીંગ માફિયાઓ હરિયાણાને લૂંટી રહ્યા છે અને સરકાર ચુપ બેઠી છે. જે જણાવે છે કે દાળમાં કાળી નથી, પરંતુ આખી દાળ કાળી છે.
આ પણ વાંચો:ગામનું 5 કરોડનું બુચ લગાવી બનાવ્યું 'નાટક', પછી આ લોકો આવ્યા જોવા
DSP સુરેન્દ્ર સિંહની હત્યા માટે હરિયાણા સરકારને જવાબદાર ઠેરવી :INLD ધારાસભ્ય અભય ચૌટાલાએ નૂહમાં DSP સુરેન્દ્ર સિંહની હત્યા માટે હરિયાણા સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે, સરકારના આશ્રય હેઠળ ગેરકાયદેસર ખાણ માફિયાઓ ફૂલીફાલી રહ્યા છે અને આ જ DSPના મૃત્યુનું કારણ છે.