પોરબંદર/મુંબઈ:ભારતની દરિયાઈ સીમા પાસે હિન્દ મહાસાગરમાં એક વિશાળ કાર્ગો જહાંજમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. કેટલાંક માધ્યમોમાં એવો દાવો કરવામા આવી રહ્યો છે કે, આ આગ ઈરાન તરફથી કરવામાં આવેલા ડ્રોન હુમલાના કારણે લાગી હતી. મહત્વપૂર્ણ છે, આ કોમર્શિયલ કાર્ગો જહાંજે ગત 19 ડિસેમ્બર 2023ના રોજ સાઉદઅરબ થી તેની સફર શરૂ કરી હતી અને 25 ડિસેમ્બર 2023ના રોજ તે મેંગલોર પહોંચવાનું હતું. ગઈકાલે 23 ડિસેમ્બરે ભારતીય તટરક્ષક મુંબઈની બચાવ ટીમને આ અંગેની માહિતી મળી હતી, ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા જણાવાયું છે કે, આ જહાંજમાં 20 ભારતીય અને 1 વિયેતનામી ક્રૂ હતા. ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડે પણ આ શિપ પર કથિત ડ્રોન હુમલો કે હવાઈ હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું.
ભારતીય તટ રક્ષક આવ્યું મદદે:ભારતીય તટ રક્ષકના પીઆરઓ કમાન્ડન્ટ નિરંજન પ્રતાપ સિંહે આ અંગે જણાવ્યું હતું કે, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ મેરીટાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC) એ આ કાર્ગો જહાજના એજન્ટનો સંપર્ક કર્યો અને જાનમાલનું કોઈ નુકસાન થયું ન હોવાની પુષ્ટી કરી હતી અને તમામ મદદ આપવાની ખાતરી આપી હતી. જહાજમાં લાગેલી આગને ક્રૂ દ્વારા ઓલવી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું. બીજી તરફ જહાંજની સલામતી વધારવા માટે, MRCC મુંબઈએ INS ને સક્રિય કરી દીધું છે અને આ કેમ પ્લૂટો શિપને અન્ય મદદ પુરી પાડવાના હેતુથી અન્ય કોમર્શિયલ જહાંજોને કેમ પ્લુટોની આસપાસના દરિયાઈ વિસ્તારમાં મોકલવા આવ્યાં છે.
ભારતીય કોસ્ટ ગાર્ડે આપી સુરક્ષા: ભારતીય કોસ્ટ ગાર્ડે કેમ પ્લુટોને મદદ પુરી પાડવા માટે ઓફશોર પેટ્રોલ વેસલ વિક્રમ અને કોસ્ટ ગાર્ડ ડોર્નિયર મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટને પણ કામે લગાડ્યાં છે. કોસ્ટ ગાર્ડ ડોર્નિયર એરક્રાફ્ટે વિસ્તારને સાફ કરી દીધો છે અને કેમ પ્લુટો સાથે સંચાર સ્થાપિત કર્યો છે. જહાજે તેની વીજ ઉત્પાદન પ્રણાલીને થયેલા નુકસાનનું મૂલ્યાંકન અને સમારકામ કર્યા બાદ મુંબઈ તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું છે. જહાજ મુંબઈમાં પ્રવેશે તેવી શક્યતા છે અને સ્ટિયરિંગ સંબંધી સમસ્યાને કારણે એસ્કોર્ટની મદદ પણ લેવામાં આવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ વિક્રમ સફર દરમિયાન આ કેમ પ્લૂટો જહાજની સુરક્ષા કરશે. ભારતીય કોસ્ટ ગાર્ડ ઓપરેશન સેન્ટર પરથી સમગ્ર પરિસ્થિતિ પર નજીકથી બારીકાઈપૂર્વક નજર રાખી રહ્યું છે.