ન્યૂઝ ડેસ્ક : શિયાળાનું આગમન થઇ ગયું છે અને આથી વિવિધ પ્રકારના વાઇરસ અને બેક્ટેરિયાને કારણે જાતભાતનાં ઇન્ફેક્શન્સ ફેલાવાનું જોખમ પણ વધી ગયું છે અને આ તમામમાં સૌથી મોટું જોખમ ઇન્ફ્લૂએન્ઝાનું રહેલું છે. ઇન્ફ્લ્યૂએન્ઝા પ્રકારનો વાઇરસ નાક, ગળું, ફેફસાં સહિતની શ્વાસોચ્છવાસની વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. આ એક ચેપી બિમારી છે અને જો તેના પર પૂરતું ધ્યાન આપવામાં ન આવે, તો દર્દીની સ્થિતિ કથળી શકે છે. ઇન્ફ્લ્યૂએન્ઝાની રસી ઉપલબ્ધ હોવાથી રસીની ઉપલબ્ધતા વિશે જાગૃતિ ફેલાવવા માટે તેમજ તમામ વયનાં લોકોને તેની રસી આપવા માટે દર વર્ષે બીજીથી 12 ડિસેમ્બર સુધીનો ગાળો ઇન્ફ્લ્યૂએન્ઝા વેક્સિનેશન વીક તરીકે ઉજવવામાં આવે છે, જેથી સંક્રમણને અટકાવી શકાય.
ઇન્ફ્લ્યૂએન્ઝા કેવી રીતે ફેલાય છે?
ઇન્ફ્લ્યૂએન્ઝા એક ચેપી બિમારી છે. અન્ય કોઇપણ સામાન્ય ફ્લ્યૂની માફક શરદી, ખાંસી અને હળવા તાવ સાથે તેની શરૂઆત થાય છે. ઇન્ફ્લ્યૂએન્ઝાનો વાઇરસ નાક, આંખો અને મોં વાટે શરીરમાં પ્રવેશ કરે છે. જ્યારે સંક્રમિત વ્યક્તિ ખાંસી કે છીંક ખાય, ત્યારે તેનાં ટીપાં હવામાં ફેંકાય છે અને જ્યારે તે ટીપાં અન્ય વ્યક્તિના શ્વાસમાં જાય, ત્યારે તે વ્યક્તિ પણ વાઇરસના સંપર્કમાં આવે છે. આ સિવાય, જો સંક્રમિત વ્યક્તિએ સ્પર્શેલી ચીજવસ્તુ કે સપાટીનો કોઇ નિરોગી વ્યક્તિ સ્પર્શ કરે, તો તે પણ વાઇરસના સંપર્કમાં આવી જાય છે.
ઇન્ફ્લૂએન્ઝાનાં લક્ષણો વણસે, ત્યારે આરોગ્ય પર થતી અસરો
ઇન્ફ્લૂએન્ઝાના સંક્રમણના ગંભીર કેસોમાં દર્દીને ન્યૂમોનિયા થઇ જવાની શક્યતા રહે છે. આ ઇન્ફેક્શન દરમિયાન સાઇનસ અને કાનનું ઇન્ફેક્શન થઇ શકે છે. જો સ્થિતિ ગંભીર હોય, તો ફેફસાંમાં પાણી ભરાઇ જવાની અને સોજો આવવાની સમસ્યા ઉદ્ભવી શકે છે. અન્ય લોકોની તુલનામાં ૬૫ વર્ષ કરતાં વધુ વયની વ્યક્તિઓ, હેલ્થ વર્કર્સ, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવનારી વ્યક્તિઓ તથા લાંબા સમયથી બિમારી ધરાવનારી વ્યક્તિઓને આ ઇન્ફેક્શન નુકસાન પહોંચાડી શકે છે.