નવી દિલ્હી:ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એરલાઇન કંપનીઓને નિયમોનું સખતપણે પાલન કરવા અને પાઇલોટ અને અન્ય ક્રૂ મેમ્બર્સ અનધિકૃત વ્યક્તિઓને કોકપિટમાં પ્રવેશવાની મંજૂરી ન આપે તેની ખાતરી કરવા જણાવ્યું છે. DGCAએ શુક્રવારે આ આદેશ આપ્યો હતો. DGCAએ ચેતવણી આપી છે કે જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો કોકપિટમાં અનધિકૃત પ્રવેશના કિસ્સામાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
પ્રવેશની મંજૂરી:ડીજીસીએનો આ નિર્દેશ તાજેતરના એવા કિસ્સાઓના સંદર્ભમાં આવ્યો છે જેમાં ફ્લાઇટ દરમિયાન અનધિકૃત વ્યક્તિઓ એરક્રાફ્ટના કોકપીટમાં પ્રવેશ્યા હતા. નિયમનકારે તમામ એરલાઈન્સના ઓપરેશનલ હેડને 'યોગ્ય પગલાં લઈને આવા કિસ્સાઓની પુનરાવૃત્તિ અટકાવવા' કહ્યું છે. DGCA સલામતી ધોરણો મુજબ, કોકપિટમાં અનધિકૃત વ્યક્તિના પ્રવેશની મંજૂરી નથી. તાજેતરના ભૂતકાળમાં કોકપિટમાં અનધિકૃત વ્યક્તિઓ પ્રવેશ્યા હોવાના અહેવાલો આવ્યા છે.
ક્રૂ મેમ્બરોનું ધ્યાન:આવા અનધિકૃત વ્યક્તિઓ તેમના કામ પરથી ક્રૂ મેમ્બરોનું ધ્યાન ભટકાવી શકે છે. જેના કારણે વિમાનના સંચાલનને લગતી મોટી ભૂલ થઈ શકે છે. 3 જૂને, ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાની ચંદીગઢ-લેહ ફ્લાઈટ દરમિયાન, પાઈલટ ઈન્ચાર્જે ફ્લાઈટ દરમિયાન એક અનધિકૃત વ્યક્તિને કોકપીટમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી અને તે વ્યક્તિ આખી ફ્લાઈટ દરમિયાન કોકપીટમાં જ રહ્યો હતો.
પ્રવેશવાની મંજૂરી:આ પહેલા 27 ફેબ્રુઆરીએ આવી જ એક ઘટનામાં દિલ્હીથી દુબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ દરમિયાન પાયલટે તેની મહિલા મિત્રને કોકપિટમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. DGCAએ દિલ્હી-દુબઈ ફ્લાઈટ કેસમાં 'યોગ્ય પગલાં ન લેવા' બદલ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રેગ્યુલેટરે આરોપી પાઇલટનું લાયસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યું હતું અને સહાયક પાઇલટને ચેતવણી આપી હતી. અને ચંદીગઢ-લેહ ફ્લાઇટ કેસમાં, DGCA એ પાઇલટ-ઇન્ચાર્જનું લાઇસન્સ એક વર્ષ માટે અને 'ફર્સ્ટ ઓફિસર'નું એક મહિના માટે સસ્પેન્ડ કર્યું હતું.
- IAF Aircraft Crash: કર્ણાટકના ચામરાજનગરમાં ભારતીય વાયુસેનાનું ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ, બંને પાઈલટ સુરક્ષિત
- plane crash: ભરતપુરમાં આર્મી પ્લેન ક્રેશ, આકાશમાં જ આગ લાગી