- મોબાઇલની અંદર રહેલી જાણકારી મળી રહે તે માટે ગાંધીનગર સ્થિત FSLની મદદ માંગી
- રોહિણી જેલમાં સુકેશ પાસેથી 2 મોબાઇલ મળ્યા હતા
- પોલીસ પહોંચી તે પહેલા તેણે મોબાઇલ ફોર્મેટ કરી દીધા હતા
- 200 કરોડની છેતરપિંડી મામલે સુકેશ ચંદ્રશેખરની થઈ છે ધરપકડ
નવી દિલ્હી: 200 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલે ધરપકડ થયેલા સુકેશ ચંદ્રશેખર પાસેથી જપ્ત મોબાઇલ સંબંધિત જાણકારી હજુ સુધી ખૂલી શકી નથી. આ કારણે આર્થિક અપરાધ શાખા (Economic Offences Wing)એ ગુજરાતના ગાંધીનગર સ્થિત ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરી પાસે મદદ માંગી છે. તેઓ સિંગાપુરની એક લેબ પાસેથી આ કામમાં મદદ લઇ રહ્યા છે. પોલીસનું માનવું છે કે અનેક મહત્વપૂર્ણ જાણકારીઓ તેમને મળશે.
જેલમાં સુકેશ પાસેથી 2 મોબાઇલ મળ્યા હતા
જાણકારી પ્રમાણે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જ્યારે રોહિણી જેલમાં દરોડા પાડ્યા તો ત્યારે સુકેશ પાસેથી બે મોબાઇલ મળ્યા હતા. આમાં આઈફોન 12 પ્રો પણ સામેલ હતો. સ્પેશિયલ સેલના ત્યાં પહોંચવા સુધી તેણે આ મોબાઇલ ફોર્મેટ કરી દીધા હતા. પોલીસ ટીમે આ મોબાઇલને ખંગાળવાનો ઘણો જ પ્રયત્ન કર્યો, પરંતુ આમાં ઉપલબ્ધ જાણકારી અત્યાર સુધી મેળવી શકાઈ નથી. આ કારણે હવે આર્થિક અપરાધ શાખાએ ગાંધીનગર ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરી પાસે મદદ માંગી છે. આ કામ માટે સિંગાપુરની એક લેબથી પણ મદદ લેવા પર વિચારણા કરવામાં આવી રહી છે.
જેલમાં ઇન્ટરનેશનલ સિમકાર્ડનો કરતો હતો ઉપયોગ
પોલીસનું કહેવું છે કે આ મોબાઇલમાં રહેલી જાણકારી મળવાથી એ સ્પષ્ટ થઈ જશે કે અત્યાર સુધી તે કયા કયા લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે. તે કયા લોકો સાથે સંપર્કમાં હતો. આ છેતરપિંડીમાં કોણ કોણ સામેલ છે. પોલીસને જાણવા મળ્યું છે કે સુકેશ રોહિણી જેલમાં ઇન્ટરનેશલ સિમકાર્ડનો ઉપયોગ કરતો હતો. પૂછપરછ દરમિયાન પોલીસને સુકેશે જણાવ્યું કે, આ મોબાઇલ ફોન તેની પાસે જેલ કર્મચારીઓની મદદથી પહોંચ્યો હતો. તેણે એ પણ જણાવ્યું છે કે મોબાઇલ ચેન્નાઇના એક વ્યક્તિએ સેટ કર્યો હતો. તેને આઈ ક્લાઉડ વિશે ખાસ કોઈ જાણકારી નથી. આ મામલે પોલીસ ટીમે સુકેશ માટે કામ કરનારા કેટલાક હવાલા ઑપરેટરની પણ ઓળખ કરી છે, જેમની શોધખોળ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.