નવી દિલ્હીઃદિલ્હી-NCRમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. દિલ્હી, નોઈડાથી ગાઝિયાબાદ સુધીના હવામાનમાં અચાનક પલટો આવતા અને ઘણા વિસ્તારોમાં હળવો થી ઝરમર વરસાદ પડ્યો હતો. વધતા પ્રદૂષણ વચ્ચે ગુરુવારે રાત્રે દિલ્હી-NCR સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્તા લોકોએ પણ બેવડી ઋતુના અનુભવ સાથે તાજગી અનુભવી હતી. તો બીજી તરફ વરસાદના કારણે લોકોને હવાના પ્રદૂષણથી પણ રાહત મળી છે.
Rain in Delhi NCR: દિલ્હીના ઘણા વિસ્તારોમાં પડ્યો ઝરમર વરસાદ, વાયુ પ્રદૂષણથી લોકોને રાહત મળવાની આશા - મોસમ વિભાગ
ગુરુવારે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. તો બીજી તરફ ઝરમર વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. એવું માનવામાં આવે છે કે દિવાળી પહેલા દિલ્હી-નોઈડામાં વાયુ પ્રદૂષણથી રાહત મળી ગઈ છે.
By ANI
Published : Nov 10, 2023, 9:25 AM IST
હવામાન વિભાગનું અનુમાન: હવામાન વિભાગનું કહેવું છે કે, શુક્રવારે પણ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, ગુરુવારે રાજધાનીમાં 24-કલાકનો સરેરાશ AQI 437 હતો, જે 'ગંભીર' શ્રેણીમાં આવે છે. આપને જણાવી દઈએ કે દિવાળી પહેલા આ વરસાદ દિલ્હીના લોકો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે વરસાદથી પ્રદૂષણમાં ઘટાડો થશે અને આકાશ ચોખ્ખું થશે, જેનાથી લોકોને છેલ્લા ઘણા દિવસોથી સતત વધી રહેલા વાયુ પ્રદૂષણ માંથી રાહત મળશે.
ભયાનક વાયુ પ્રદૂષણ: ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર જીવલેણ બની ગયું છે. માત્ર રાજધાનીમાં જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ છે. તેનાથી બચવા માટે સરકારે ઘણા નિયંત્રણો લાદી દીધા છે. શાળાઓ બંધ છે અને 13 નવેમ્બરથી ઓડ-ઇવન નિયમ લાગુ કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે 20 કે 21 નવેમ્બરે કૃત્રિમ વરસાદની પણ વિચારણા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં વરસાદથી રાહત મળવાની સંભાવના દેખાઈ રહી છે.