નવી દિલ્હીઃદિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) 'કન્યાદાન' એક કેસની સુનવણી કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ હિંદુ પિતા માટે 'કન્યાદાન' એક પવિત્ર જવાબદારી છે અને તે આ જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં. જસ્ટિસ વિપિન સાંઘીની અધ્યક્ષતાવાળી બેન્ચએ પારિવારિક વિવાદની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
દિલ્હી હાઇકોર્ટે 85 લાખ રૂપિયા ચૂકવવાનો આપ્યો આદેશ
કોર્ટે દીકરીનો પક્ષ લેતા કહ્યું કે, કોઈ પણ પિતાને પોતાની અપરિણીત દીકરીઓની જવાબદારીમાંથી છટકીબારી મળશે નહીં. એક પિતાની જવાબદારીમાં દીકરીની જાળવણી અને સારસંભાળ ઉપરાંત તેમના શિક્ષણ અને લગ્નનો ખર્ચ પણ આવે છે. તેના અનુસંધાને કોર્ટે એક પિતાને તેની બે દીકરીઓના લગ્ન માટે 85 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
જાણો સમગ્ર કેસ વિશે
તીસ હજારી કોર્ટની ફેમિલી કોર્ટે (Family Court act) એક મહિલાની છૂટાછેડાની અરજી સ્વીકારી હતી, પરંતુ મહિલા અને તેની બે પુખ્ત પુત્રીઓ માટે ભરણપોષણનો આદેશ આપવાનો ઇન્કાર કરી દેવાયો હતો. ફેમિલી કોર્ટના આદેશને મહિલાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં મહિલાએ તેના પતિ પર ક્રૂરતાનો આરોપ લગાવીને છૂટાછેડાની માંગ કરી હતી.
સુનાવણીમાં મહિલાના પતિએ વળતર મામલે બચાવ હેતુ કરી દલીલ
સુનાવણી દરમિયાન મહિલાના પતિએ દલીલ કરી હતી કે, તેના તમામ બાળકો પુખ્ત છે. આ સ્થિતિમાં, તે હિંદુ મેરેજ એક્ટની (Hindu Marriage Act) કલમ 24, 25 અને 26 હેઠળ વળતર ચૂકવવા માટે બંધાયેલો નથી.