નવી દિલ્હી:યમનમાં મૃત્યુદંડની સજા ભોગવી રહેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાની માતાને દિલ્હી હાઈકોર્ટે ત્રણ ભારતીય નાગરિકો સાથે યમન જવાની પરવાનગી આપી દીધી છે. જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે કહ્યું કે નિમિષા પ્રિયાની માતા પોતાની જવાબદારી પર યમન જશે. આ માટે કેન્દ્ર અને સંબંધિત રાજ્ય સરકાર જવાબદાર રહેશે નહીં. નિમિષા પ્રિયાની માતા સાથે જે લોકો છે તેમાં કુન્હમ્મદ નાદુવિલાક્કંડી, સેમ્યુઅલ જેરોમ ભાસ્કરન અને કે સંજીવ કુમારનો સમાવેશ થાય છે.
કેન્દ્ર તરફથી યમન જવાની પરવાનગી મળી ન હતી: નિમિષાની માતાએ પોતાની દીકરીને ફાંસીથી બચાવવા માટે યમન જવાની પરવાનગી માગતી અરજી દિલ્હી હાઈકોર્ટમાં કરી હતી. 2 ડિસેમ્બરે એક વિશેષ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે શું નિમિષાની માતાને યમન જવાની મંજૂરી આપી શકાય? ત્યારે કેન્દ્ર સરકારે યમન જવાની પરવાનગી નકારી દીધી હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે યમનમાં ભારતીય દૂતાવાસ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યાં ભારતની કોઈ રાજદ્વારી હાજરી નથી, તેથી જો કંઈપણ અનિચ્છનીય બને તો કેન્દ્ર તેમની સુરક્ષાની જવાબદારી લઈ શકે નહીં.