નવી દિલ્હી :મણિપુરમાં હિંસાથી પ્રભાવિત વિદ્યાર્થીઓની મદદ માટે દિલ્હી સરકાર આગળ આવી છે. મણિપુરમાં ચાલી રહેલી હિંસાની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર થઈ છે. ત્યારે દિલ્હી સરકાર આ વિદ્યાર્થીઓને દિલ્હીની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં દાખલ કરશે. દિલ્હી સરકારે આ અંગે શિક્ષણ વિભાગને આદેશ આપ્યો છે. આ સાથે જ સરકારની સૂચના પર શિક્ષણ વિભાગેે એક પરિપત્ર બહાર પાડ્યો છે. મણિપુરના વિદ્યાર્થીઓને દિલ્હીની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે કારણ કે, તેઓને હિન્દીની ઓછી સમજ છે.
શિક્ષણ વિભાગની બેઠક : શિક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, 5 જુલાઈએ મણિપુરમાં હિંસા અને ત્યાંની પરિસ્થિતિથી પ્રભાવિત વિદ્યાર્થીઓના શિક્ષણ અને ભવિષ્યને લઈને એડિશનલ ડાયરેક્ટર નંદની મહારાજની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ મણિપુરના વિદ્યાર્થીઓને દિલ્હીની શાળાઓમાં પ્રવેશ અપાવવા માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
વ્યક્તિગત સંપર્ક :શિક્ષણ વિભાગે તમામ જિલ્લા નાયબ શિક્ષણ નિયામક અને શાળાના વડાઓને જણાવ્યું છે કે, નવમા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને કામચલાઉ ધોરણે પ્રવેશ આપવામાં આવે. ઉલ્લેખનિય છે કે, મણિપુરમાં અચાનક થયેલી હિંસાને કારણે ધોરણ 9 થી 12 ના ઘણા વિસ્થાપિત વિદ્યાર્થીઓ પાસે સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ નથી. શિક્ષણ વિભાગ દ્વારા DDE (કોરસપોન્ડન્ટ અને NIOS) ને આવા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવામાં મદદ કરવા માટે ફોન પર વ્યક્તિગત રીતે સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે.
માર્કશીટના આધારે પ્રવેશ : શિક્ષણ વિભાગમાંથી મળતી સત્તાવાર માહિતી મુજબ મણિપુર સ્કૂલ બોર્ડ/CBSE દ્વારા જારી કરાયેલ માર્કશીટના આધારે ધોરણ 11 ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. CRCC ની મદદથી શાળાના વડા વિદ્યાર્થીઓને શાળાઓમાં કામચલાઉ પ્રવેશ આપશે. વિદ્યાર્થીઓ તેમના રહેઠાણની વર્તમાન અનિશ્ચિત સ્થિતિ અને માતા-પિતાની નોકરીને કારણે પ્રવેશ લેવામાં અચકાય છે. તેમની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તવું જોઈએ.
અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ : શાળાના વડા વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને EVGC સેવાઓ પ્રદાન કરી શકે છે. દરેક DDE એ વિસ્થાપિત વિદ્યાર્થીઓના પ્રવેશ માટે નોડલ ઇન્ચાર્જની નિમણૂક કરવી જરૂરી છે. કુકી સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન દિલ્હી અને એનસીઆર દરેક ડિસ્ટ્રિક્ટ ડીડીઈ સાથે એક વ્યક્તિને જોડશે. જે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વાતચીત કરવા અને વિદ્યાર્થીઓના નામ, સરનામું, ઉંમર વગેરેમાં વિસંગતતા દૂર કરવા માટે જિલ્લા DDE સાથે સંકલન કરશે. નોંધનિય છે કે, આ વિદ્યાર્થીઓ હિન્દીમાં અભ્યાસ નિપુણ નથી, તેથી તેમને અંગ્રેજીમાં પ્રવેશ આપવો જોઈએ.
- Supreme Court: મતદારને ઉમેદવારની સંપૂર્ણ પૃષ્ઠભૂમિ જાણવાનો અધિકાર છે
- Manipur Violence : મણિપુર હિંસા મુદ્દે આપ મહિલાઓનો આક્રોશ કહ્યું, દેશની દીકરીઓની ઈજ્જત લૂંટાઈ રહી છે