- ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં સામે આવી ઘટના
- એક રાતમાં ગંગા નદીમાંથી 25 મૃતદેહો બહાર કઢાયા
- બે અધિકારીઓના આંકડાઓમાં જમીન-આસમાનનો ફરક
ગાઝીપુર: જિલ્લાના ગહમર સ્થિત ગંગા ઘાટ પાસેથી નદીમાં રોજ સંખ્યાબંધ મૃતદેહો મળી રહ્યા છે. બુધવારે ફરી એક વખત ગહમરના પંચમુખી ઘાટ પર 3થી 4 મૃતદેહો મળ્યા છે. આ અંગે ETV Bharat દ્વારા જિલ્લા અધિકારી મંગલ પ્રસાદ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, માત્ર એક મૃતદેહ મળ્યો છે. જેનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશમાં ગંગા નદીમાંથી મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત માત્ર એક જ મૃતદેહ મળ્યો હતો: જિલ્લા અધિકારી
જિલ્લા અધિકારી મંગલ પ્રસાદના જણાવ્યા પ્રમાણે ઘાટ પાસેથી માત્ર એક જ મૃતદેહ મળ્યો છે. જોકે, સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે રાત્રે 11 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં સ્થાનિક પ્રશાસન દ્વારા નદીમાંથી અંદાજે 80 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં તેમણે પણ મદદ કરી હતી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ-બિહાર બોર્ડર પર બક્સર જિલ્લાના સત્તાધીશો નદીમાં જાળ નાંખીને મૃતદેહોને આવતા રોકી રહ્યા હોવા અંગે જિલ્લા અધિકારીને પૂછતા તેમણે કહ્યું હતું કે, આ તેમનો વ્યક્તિગત મામલો છે. હું તે અંગે કંઈ નહી કહી શકું.
ETV Bharatના અહેવાલની SDMએ કરી પુષ્ટી
ગંગાના ઘાટ પરથી મૃતદેહો મળવાની ઘટનાને લઈને સ્થાનિક પ્રશાસનના એકપણ સંબંધિત અધિકારી વાત કરવા તૈયાર ન હતા. ત્યારે ETV Bharatનો અહેવાલ પ્રકાશિત થયા બાદ જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું હતું અને ગંગા ઘાટનું સ્થળ નિરિક્ષણ કર્યા બાદ ગંગામાંથી મૃતદેહો મળ્યા હોવાની વાત સ્વિકારી હતી. SDM રમેશ કુમાર મૌર્ય સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ETV Bharatના અહેવાલ બાદ અમે આ મામલે તપાસ શરૂ કરી હતી અને રાત્રે 11થી સવારે 8 વાગ્યા સુધીમાં અંદાજે 25 મૃતદેહોને બહાર કાઢીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
અધિકારીઓના નિવેદનમાં વિસંગતતા
એક તરફ જિલ્લા અધિકારી મંગલ પ્રસાદે નદીમાંથી માત્ર એક મૃતદેહ મળ્યો હોવાનું નિવેદન આપ્યું હતું, બીજી તરફ SDM રમેશ કુમાર મૌર્યએ એક રાતમાં અંદાજે 25 મૃતદેહ બહાર કાઢ્યા હોવાનું નિવેદન આપ્યું હતું. જ્યારે સ્થાનિકો દ્વારા નદીમાંથી અંદાજે 80 મૃતદેહ નિકાળવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. સ્થાનિકોને બાદ કરતા બે અધિકારીઓના નિવેદનમાં આંકડાઓમાં આ પ્રકારનો ફરક જોવા મળતા ખરેખરની હકીકત શું હોઈ શકે તે અંગે સવાલ ઉભા થયા છે.