- મનમોહન સિંહના પુત્રી દમન સિંહે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ટીકા કરી
- પોતાના પિતાની સારવાર દરમિયાનનો ફોટો શેર કરવા બાબતે કરી ટીકા
- મારા પિતા વૃદ્ધ છે. કોઈ ઝૂના જાનવર નથી: દમન સિંહ
ન્યૂઝ ડેસ્ક: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પુત્રી દમન સિંહે પોતાના પિતાની સારવાર દરમિયાનનો ફોટો શેર કરવા બાબતે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ટીકા કરી હતી. એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, "મારા પિતા હાલમાં મુશ્કેલીભરી પરિસ્થિતીમાંથી ગુજરી રહ્યા છે. તેઓ વૃદ્ધ છે. કોઈ ઝૂના જાનવર નથી."
મનમોહન સિંહના પત્નીએ ફોટો પાડવાની ના પાડી હતી
દમન સિંહે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "મારા પિતાની AIIMSમાં ડેન્ગ્યૂની સારવાર ચાલી રહી છે. હાલમાં તેમની તબિયત તો સ્થિર છે, પરંતુ રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે. જેના કારણે તેમના ખબર અંતર પૂછવા આવતા લોકો માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે, આરોગ્ય પ્રધાન ખુદ પિતાના ખબર અંતર જાણવા માટે આવ્યા, તે સારી બાબત છે. જોકે, મારા માતા પિતા ફોટો પડાવી શકે તેવી પરિસ્થિતીમાં નથી. જેથી મારી માતાએ ફોટોગ્રાફરને બહાર મોકલવાનું પણ કહ્યું હતું. જેની અવગણના કરવામાં આવી હતી. આ બાબતથી તેઓ પણ વ્યથિત થઈ ગયા હતા."