મધ્યપ્રદેશ:છતરપુર જિલ્લાના ટટમ ગામમાં રહેતા એક દલિત વરરાજાએ ઘોડીએ ચડતા પહેલા પોલીસ પાસે રક્ષણ માંગ્યું હતું, જેના માટે તેણે પોલીસને અરજી લખી હતી અને તેમાં ઉલ્લેખ કર્યો હતો કે, તે જે ગામમાં રહે છે તે ગામમાં અત્યાર સુધી કોઈ દલિત યુવક ગામમાં ઘોડી પર બેસીને ફર્યો નથી. ત્યાર બાદ પોલીસે યુવકને સુરક્ષા પુરી પાડી અને દલિત વરરાજા ઘોડી પર બેસીને ગામમાં ફર્યા હતા, રાહતની વાત એ છે કે, આ દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની નહોતી.
મારે ઘોડીએ ચડવું છે સાહેબ: આ સમગ્ર મામલો મહારાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ટટમ ગામનો છે, જ્યાંના રહેવાશી સૂરજ અહિરવારના લગ્ન ખજુરાહોના રહેવાસી નીલમ અહિરવાર સાથે 9 ડિસેમ્બરે થવાના હતા. આ અંગે સૂરજે 4 ડિસેમ્બરે મહારાજપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને શંકા વ્યક્ત કરી હતી કે "ગામમાં રહેતા કેટલાક ઉચ્ચ જ્ઞાતિના લોકો મને ઘોડી પર સવારી કરતા રોકી શકે છે, કારણ કે આઝાદી પછીથી આજ સુધી આ ગામમાં કોઈ દલિત ઘોડી પર ચડીને સવારી કરી શક્યો નથી." મામલાની ગંભીરતા જોઈને પોલીસે 9 ડિસેમ્બરની રાત્રે સૂરજને પોલીસ સુરક્ષા પુરી પાડી હતી અને પોલીસની દેખરેખ હેઠળ ગામમાં વાજતે-ગાજતે સુરજનો વરઘોડો નીકળ્યો હતો. સૂરજ કહે છે કે "બંધારણે દેશમાં દરેકને મૂળભૂત અધિકારો આપ્યા છે અને અમને સ્વતંત્ર ભારતમાં અમારા અધિકારો વિશે વાત કરવાનો પૂરો અધિકાર છે."
આખરે આ પરંપરા તૂટી:ગામમાં રહેતા રોહન ચૌધરીએ આ અંગે જણાવ્યું હતું કે, તે ટટમ ગામનો રહેવાસી છે અને તેના ગામમાં આઝાદી પછી આજદિન સુધી કોઈ દલિત વરરાજા ઘોડી પર ચડ્યા નથી. સૂરજના લગ્ન હતા અને સૂરજે હિંમત બતાવી અને વહીવટીતંત્રની મદદ માંગી, આ પછી સૂરજ ઘોડી પર બેસીને ગામમાં ફર્યો. પોલીસ પ્રશાસન તરફથી સારો સહકાર મળ્યો હતો, આઝાદી પછીથી ચાલી આવતી પરંપરા આખરે સુરેજે હિંમત દાખવી તોડી નાખી છે.
શાંતિપૂર્ણ માહોલમાં નીકળી જાન: દલિતો માટે કામ કરતા યુવા નેતા સતીશ સિંહે કહ્યું હતું કે, તેમને ખબર પડી કે એક દલિત યુવકે ઘોડી પર ચઢવા માટે પોલીસ પ્રશાસનની મદદ માંગી હતી. આ જ કારણ હતું કે અમે આ લગ્નમાં સામેલ થયાં હતાં, મારી સાથે અન્ય ઘણા મિત્રો પણ હતાં, પોલીસ પ્રશાસનનો ખૂબ જ સારો સહયોગ હતો અને કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના બની નથી. આ અંગે મહારાજપુર પોલીસ સ્ટેશનના પ્રભારી વિદુ વિશ્વાસે જણાવ્યું હતું કે, "ટટમ ગામના સૂરજ નામના યુવકે લગ્ન સમારોહમાં ઘોડી પર સવાર થવાને લઈને આશંકા વ્યક્ત કરી હતી અને સુરક્ષાની માંગણી કરી હતી. તેને લઈને પોલીસ તેમના ઘરે આવી પહોંચી હતી અને તમામ વિધીઓ શાંતિપૂર્ણ સંપન્ન કરાવી હતી. આ સમય દરમિયાન ક્યાંક, કોઈ વિરોધ પણ થયો ન હતો."
- MPના CM કોણ ? આજે ભોપાલમાં મળનારી ભાજપના ધારસભ્ય દળની બેઠકમાં થશે ફેસલો
- રાજસ્થાનના બ્યાવરમાં 7 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર, 2 આરોપીની ધરપકડ