- ચક્રવાત ગુલાબ આજે રવિવારે મોડીરાત્રે આંધ્રપ્રદેશના શ્રીકૌલમના દરિયાકાંઠે ટકરાશે
- ઓડિશાના 11 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો
- 6 ODRAFની અને 2 NDRFની ટિમો સ્ટેન્ડ બાય પર રખાઇ
ભુવનેશ્વર: IMDના જણાવ્યા પ્રમાણે, ચક્રવાત ગુલાબ આજે રવિવારે મોડીરાત્રે આંધ્રપ્રદેશના શ્રીકૌલમના દરિયાકાંઠે ટકરાશે. હાલમાં તે ઓડિશાથી 125 કિલોમીટર અને આંધ્રપ્રદેશના કલિંગાપટનમથી 160 કિલોમીટર દૂર છે. હાલમાં આ બન્ને સ્થળોએ 75થી 95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. ચક્રવાતના કારણે પડી રહેલા સતત વરસાદ અને ભારે પવનના કારણે ઓડિશાના ગજાપતિ જિલ્લાના ગુમ્મા બ્લોકમાં ભૂસ્ખલનની ઘટના પણ બની છે. તંત્ર દ્વારા તેના આસપાસના વિસ્તારોમાંથી 1600 લોકોનું રેસ્ક્યૂ કરીને સ્થળાંતર કરવામાં આવ્યું છે.
તળેટીના વિસ્તારોમાં રહેતા 1600 લોકોનું રેસ્ક્યૂ કરાયું
ઓડિશાના ગજાપુરી જિલ્લા પહાડી તેમજ તળેટીના વિસ્તારોમાં રહેતા 1600 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ચક્રવાતની અસરોને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા 6 ODRAFની અને 2 NDRFની ટિમો સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. દરિયો તોફાની થવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત આવતીકાલે સોમવારે ઓડિશાના 11 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીએ ઓડિશાના મુખ્યપ્રધાન સાથે કરી વાતચીત
ગુલાબ ચક્રવાતના પગલે વડાપ્રધાન મોદીએ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક સાથે ટેલિફોનિક વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વાતચીતમાં તેમણે ચક્રવાતથી ઓડિશાના સંભવિત નુક્સાનગ્રસ્ત વિસ્તારો અંગે જાણકારી મેળવી હતી અને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની બાંહેધરી આપી હતી.