હૈદરાબાદ: સાયબરાબાદ ગુજરાતી એસોસિએશન (CGA) સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી પર્વે ગુજરાતની સંસ્કૃતિ, સંગીત અને પરંપરાગત ગરબા માટે "દાંડિયા રમઝટ 2023"નું આયોજન કરવામાં આવ્યું છે. હૈદરાબાદમાં વસતા ગુજરાતીઓ પોતાની સંસ્કૃતિ અને તહેવારોનું સાચું મુલ્ય સમજે તેવા ઉમદા હેતુથી આ તહેવારની ઉજવણી વર્ષ 2012થી કરવામાં આવી રહી છે. ત્યારે નવરાત્રી પર્વે 11મી વખત મિયાપુરના નરેન કોન્વેન્શન ખાતે 20 થી 22 ઓક્ટોબર એમ ત્રણ દિવસ 'દાંડિયા રમઝટ 2023'નું આયોજન કરવામાં આવ્યું છે.
"દાંડિયા રમઝટ 2023': દાંડિયા રમઝટ' એ નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન આયોજિત કરાતો એક સાંસ્કૃતિક મહોઉત્સવ છે, જે હૈદરાબાદના સાયબરાબાદમાં વસતા લોકોના લાભાર્થે યોજવામાં આવે છે, આજે તો આ તહેવાર અહીં વસતા સૌ કોઈનો પ્રિય તહેવાર બની ગયો છે. જેમાં નાના-મોટા સૌ કોઈ ઉત્સાહભેર ભાગ લે છે. અહીં લાઈવ ઓરકેસ્ટ્રાની સાથે-સાથે ગરબા સહિત સ્વાદિષ્ટ પરંપરાગત વાનગીઓનો સ્વાદ પણ લોકોને આકર્ષે છે. દર વર્ષે પરંપરાગત દાંડિયા અને ગરબા રમવા માંગતા ખેલૈયાઓની સંખ્યા પણ વધતી જાય છે. ત્યારે આ વખતે શહેરના મિયાપુર સ્થિત નરેન કોન્વેન્શન હોલ ખાતે 20 ઓક્ટોબર થી 22 ઓક્ટોબર સાંજે 6 વાગ્યાથી લઈને રાતના 10.30 કલાક સુધી એમ કુલ ત્રણ દિવસ 'દાંડિયા રમઝટ 2023'નું આયોજન કરવામાં આવ્યું છે. આદ્યશક્તિ માતાની આરાધનાના આ પર્વે દાંડિયા રમઝટ 2023માં પરંપરાગત ગરબા, સાંસ્કૃતિક સંગીત સાથે નાના-માટો ખેલૈયાઓ માટે વિવિધ કેટેગરીમાં આકર્ષક ઈનામો પણ રાખવામાં આવ્યાં છે.