- સાયબર ઠગો લોકોને છેતરવા અપનાવી રહ્યા છે નવો નુસખો
- ફ્રી ક્રેડિટ કાર્ડ તેમજ કેશબેક્સની આપી રહ્યા છે લાલચ
- જાણો કઈ રીતે થાય છે સાયબર ફ્રોડ અને કઈ રીતે બચી શકાય
જયપુર: સાયબર ઠગો નવી પ્રયુક્તિઓ અપનાવીને લોકોને ઠગોી રહ્યા છે. હાલમાં સાયબર ઠગો એક નવી પ્રયુક્તિ અપનાવી રહ્યા છે. જેમાં ક્રેડિટ કાર્ડ પર વિવિધ પ્રકારની ઓફર્સ હોવાનું જણાવીને છેતરપિંડી કરવામાં આવી રહી છે. વિવિધ જાણીતી બેન્કોના બોગસ ફેસબુક પેજ બનાવીને સાયબર ઠગો લોકોને મફતમાં ક્રેડિટ કાર્ડ આપવાનું તરકટ રચીને વિવિધ પ્રકારના કેશબેક્સ અને ડિસ્કાઉન્ટની લાલચ આપીને લોકોને ફસાવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઈ રહેલા સતત વધારાને કારણે સાયબર ઠગો ક્રેડિટ કાર્ડ દ્વારા પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર 15 ટકા સુધી બચતની લાલચ આપી રહ્યા છે. જેના કારણે લોકો સરળતાથી તેમની જાળમાં ફસાઈ જાય છે.
આ પણ વાંચો:અમદાવાદ સાયબર ક્રાઈમનું માળખું, જાણો કેવી રીતે થઈ રહ્યું છે કામ
બેન્કોના ફેસબુક પેજ જેવા આબેહૂબ બોગસ પેજ બનાવવામાં આવે છે
સાયબર ઠગો કોઈપણ જાણીતી બેન્કના ઓફિશિયલ ફેસબુક પેજની નકલ કરીને બોગસ ફેસબુક પેજ તૈયાર કરે છે. જેમાં લોકોને વિવિધ પ્રકારની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવે છે. સાયબર સિક્યુરિટી એક્સપર્ટ આયુષ ભારદ્વાજે જણાવે છે કે, પ્રખ્યાત બેન્કનું ફેક ફેસબુક પેજ બનાવ્યા પછી સાયબર ઠગો દ્વારા તેના પર વિવિધ પોસ્ટ પણ અપલોડ કરવામાં આવે છે. જેમાં વિનામૂલ્યે ક્રેડિટ કાર્ડ આપવા, વાર્ષિક ફીમાં કોઈ ચાર્જ ન લેવો, દર મહિને મફતમાં ફિલ્મની ટિકિટ આપવી, ડીઝલ અને પેટ્રોલના બિલો પર 15 ટકા છૂટ અને ઓનલાઈન ખરીદી પર 15 ટકા છૂટ આપવા સહિતની વિવિધ લાલચો આપવામાં આવે છે. લોકો આવી લાલચમાં ફસાઈને ઠગોનો શિકાર બનતા હોય છે.
આ પણ વાંચો:વધતા જતા સાયબર ક્રાઈમને લઈને શું તકેદારી રાખવી જોઈએ જાણો..
આ રીતે લોકોને ફસાવવામાં આવે છે:
- સ્પોન્સર્ડ પોસ્ટ દ્વારા યુવાઓ છેતરામણીનો ભોગ બને છે
સાયબર સિક્યુરિટી એક્સપર્ટ આયુષ ભારદ્વાજે જણાવ્યું હતું કે, સાયબર ઠગો નકલી ફેસબુક પેજ બનાવ્યા પછી સ્પોન્સર્ડ પોસ્ટ દ્વારા યુવાનોને નિશાન બનાવે છે. જે લોકો પહેલેથી જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છે અથવા ક્રેડિટ કાર્ડ્સ વિશે સંશોધન કરી રહ્યા છે, તેમને ટાર્ગેટ બનાવવામાં આવે છે. સ્પોન્સર્ડ પોસ્ટ દ્વારા 18થી 30 વર્ષની વયજૂથનાં લોકોને ટાર્ગેટ કરીને તેમની ફેસબુક પ્રોફાઇલ પર બોગસ બેન્કોના ફેસબુક પેજની જાહેરાતો બતાવવામાં આવે છે. જેના પર આપવામાં આવેલી જુદા જુદા પ્રકારની લાલચોને જોઇને લોકો ઠગોની જાળમાં ફસાઈ જાય છે.
- ફોન કરીને માંગે છે પર્સનલ માહિતી
આયુષ ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે, ઠગોની જાળમાં ફસાઈને જ્યારે કોઈ વ્યક્તિ બોગસ ફેસબુક પેજ પર ઓનલાઇન કાર્ડ માટે અરજી કરે છે અથવા કાર્ડ મેળવવા માટે આપવામાં આવેલા નંબર પર કોલ કરે છે, તો ઠગો દ્વારા અન્ય એક નંબર પરથી ફોન કરવામાં આવે છે. જેમાં ફોન કરનારો વ્યક્તિ ખુદને બેન્કનો પ્રતિનિધિ કહે છે અને ક્રેડિટ કાર્ડ માટેની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપે છે. આ સાથે વ્યક્તિને ક્રેડિટ કાર્ડ મેળવવા માટે તેની બધી પર્સનલ માહિતી વોટ્સએપ દ્વારા મોકલવાનું કહેવામાં આવે છે. જેમાં આધાર કાર્ડ, પાનકાર્ડ સહિતના અન્ય દસ્તાવેજોનો ફોટો મંગાવવામાં આવે છે.
- ગુપ્ત માહિતી ડાર્ક વેબ પર વેચાય છે, QR કોડ મોકલીને છેતરપિંડી કરાય છે
વોટ્સએપ પર લોકો પાસેથી તેમની પર્સનલ માહિતી મેળવ્યા બાદ સાયબર ઠગો તેમની બધી જ માહિતી ડાર્ક વેબ પર વેચે છે. જ્યાંથી લોકોની સાચી માહિતીનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે થાય છે. આ સાથે પર્સનલ માહિતી મોકલનારા વ્યક્તિને વોટ્સએપ પર QR કોડ મોકલીને UPI દ્વારા સ્કેન કરવાનું કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ ઠગોની વાતમાં ફોસલાઈને QR કોડ સ્કેન કરે તો તેના ખાતામાંથી જાણ બહાર રૂપિયાની લેણદેણ થઈ જાય છે.
આ પણ વાંચો:બાળકોને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચાવશો?
આ રીતે કરી શકો છો બચાવ:
- પેજ વેરિફાઈડ છે કે નહીં, તેની તપાસ કરો
સાયબર સિક્યુરિટી એક્સપર્ટ આયુષ ભારદ્વાજ કહે છે કે, સાયબર ઠગોની ચુંગલમાં ન આવવા માટે લોકોએ ખાતરી કરવી જોઇએ કે, જે સોશિયલ મીડિયા પેજ પર તેઓ ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી રહ્યા છે કે પછી ક્રેડિટ કાર્ડ કે અન્ય કોઈ ગોપનીય માહિતી આપી રહ્યા છે. તે પેજ વેરિફાઈડ છે કે નહીં, બધી જ બેન્કોના ફેસબુક પેજ બ્લુ ટિક સાથે વેરિફાટ કરવામાં આવેલા છે અને જો કોઈ પણ બેન્કનું પેજ બ્લુ ટિક વગર દેખાય તો તે પેજ પર ક્લિક કરવાનું અને ત્યાં કોઈપણ પ્રકારની માહિતી શેર કરવાનું ટાળવું જોઈએ.
- ક્રેડિટ કાર્ડ કેશબેકના સ્વરૂપમાં ખાતામાં નથી મળતા પૈસા
આયુષ ભારદ્વાજ વધુમાં કહે છે કે, ઠગો ક્રેડિટ કાર્ડના કેશબેકના નામે વ્યક્તિના ખાતામાં પૈસા જમા કરાવવાની લાલચ આપે છે. જ્યારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર પ્રાપ્ત થયેલ કેશબેક ક્રેડિટ કાર્ડ બિલમાં જ સેટલ કરવામાં આવે છે. જે ક્યારેય વ્યક્તિના ખાતામાં જમા થતું નથી. જો કોઈ વ્યક્તિ ખાતામાં ક્રેડિટ કાર્ડનું કેશબેક જમા કરી આપવાનું પ્રલોભન આપે તો સમજી લેવુ કે કંઈક ગડબડ છે. સાવધાન રહેવું અને છેતરપિંડીમાં ન ફસાવવું જોઈએ.
- QR કોડને સ્કેન ન કરવા અને IVR કોલમાં પિન એન્ટર ન કરવો
સાયબર સિક્યુરિટી એક્સપર્ટ ભારદ્વાજે જણાવ્યું હતું કે, UPIથી સાયબર ઠગો દ્વારા વોટ્સએપ પર મોકલાયેલો QR કોડ ક્યારેય સ્કેન કરવો જોઈએ નહીં. QR કોડને સ્કેન કરવા પર ખાતામાંથી તરત જ પૈસા કપાઈ જાય છે. જે ભાગ્યે જ પાછા મળતા હોય છે. આ ઉપરાંત જો IVR કોલ દ્વારા મોબાઈલ પર પ્રાપ્ત પિન વિશેની માહિતી માંગવામાં આવે તો તે પિન શેર કરવાનું ટાળવું જોઈએ. આ બધી પદ્ધતિઓ અપનાવીને તમે સાયબર ઠગોની જાળમાં ફસાઈ જવાથી પોતાને બચાવી શકો છો.