વારાણસીઃ જ્ઞાનવાપી પરિસરમાં 2 નવેમ્બર સુધી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. ASI દ્વારા આ સર્વેનો રિપોર્ટ 18મી ડિસેમ્બરે કોર્ટમાં દાખલ કરી દેવામાં આવ્યો હતો. હવે આ રિપોર્ટને સાર્વજનિક કરવાની મથામણો ચાલી રહી છે. મુસ્લિમ પક્ષ આ રિપોર્ટને વાદી અને પ્રતિવાદી સુધી જ મર્યાદિત રાખવા માંગે છે. જ્યારે હિન્દુ પક્ષ આ રિપોર્ટને સાર્વજનિક કરી પબ્લિક ડોમેનમાં મુકાય તેવી માંગણી કરી રહ્યો છે. હિન્દુ પક્ષ તરફથી આ મુદ્દે કોર્ટમાં વિનંતી પત્ર પણ દાખલ કરવામાં આવ્યો છે. જેના પર આજે ચુકાદો આવી શકે છે.
21મી જુલાઈના રોજ વારાણસી જિલ્લા કોર્ટના હુકમ બાદ જ્ઞાનવાપી પરિસરમાં ASI તરફથી સર્વેની કામગીરી શરુ કરવામાં આવી હતી. જે અંદાજિત 90 દિવસ સુધી ચાલી હતી. ASIનો સર્વે 2 નવેમ્બરના રોજ પૂર્ણ થયો હતો. ત્યારબાદ આ રિપોર્ટ દાખલ કરવા માટે તારીખો પડતી રહી હતી. આ રિપોર્ટને 3 અલગ અલગ સ્ટેપમાં તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ સ્ટેપમાં આંકડા, બીજા સ્ટેપમાં ટેકનિકલ માહિતી અને ત્રીજા સ્ટેપમાં રડાર સિસ્ટમે આપેલ માહિતીનો સમાવેશ થાય છે. ત્રીજા સ્ટેપના રિપોર્ટમાં હૈદરાબાદની ટીમે લંડનના સ્પેશિયલ રડાર ટેકનિકના જાણકારોની પણ મદદ લીધી હતી.