નવી દિલ્હીઃ તમિલનાડુથી રામેશ્વરમ વચ્ચેની મન્નાર ખાડીમાં દેશનો પ્રથમ હાઈડ્રોલિક રેલવે બ્રિજ 'પંબન બ્રિજ' ફેબ્રુઆરી 2024માં શરુ થઈ શકે છે. દરિયામાં બનેલ આ બ્રિજ હાઈડ્રોલિક સિસ્ટમથી ઊંચો નીંચો કરવામાં આવશે. કોઈ વિશાળ ક્રૂઝ શિપ પસાર થશે તો આ બ્રિજ ઉપર કરવામાં આવશે અને ટ્રેન આવે ત્યારે આ બ્રિજ રેલવે ટ્રેકને સમાંતર જોડાઈ જશે. જેના પરથી સરળતાથી ટ્રેન પસાર થઈ શકશે. વર્ષ 2019માં આ બ્રિજનું નિર્માણ હાથ ધરાયું હતું. દિલ્હીના પ્રગતિ મેદાનમાં 42મું ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં રેલવેના એક્ઝિબિશન સ્ટોલમાં 'પંબન બ્રિજ'નું વર્કિંગ મોડલ રજૂ કરવામાં આવ્યું છે.
જૂના 'પંબન બ્રિજ'ની ખાસિયતોઃ રામેશ્વરમ દ્વીપ માટે 1914માં 'પંબન રેલવે બ્રિજ' બનાવવામાં આવ્યો હતો. જે જહાજના આવાગમનમાં ગેટવેનું કામ કરતો હતો. આ 'પંબન બ્રિજ' 2.06 કિલોમીટર લાંબો છે. જેમાં 12.2 મીટરના કુલ 145 સ્પાન છે. 'પંબન બ્રિજ'ને જોવા માટે વિશ્વભરમાંથી લાખો પ્રવાસીઓ આવી ચૂક્યા છે. આ બ્રિજ જૂનો અને જર્જરિત થતાં નવા બ્રિજ નિર્માણની જરુર પડી.
નવા 'પંબન બ્રિજ'ની ખાસિયતોઃ નવા 'પંબન બ્રિજ'માં 48.3 મીટરના કુલ 99 સ્પાન અને 72.5 મીટરના ક્લિયર સ્પાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્લીયર સ્પાનનો એક ઉર્ધ્વાધાર લિફ્ટ સ્પેનમાં સામેલ છે. નવા બ્રિજ પર બે રેલવે લાઈનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનાથી ટ્રેનોના આવાગમનમાં સરળતા રહે. સ્પાનના નિર્માણમાં સ્ટીલ પ્લેટ ગડર, નેવિગેશનલ સ્પેન માટે ઓપન વેબ ગડર અને ટાવરને વર્કશોપમાં તૈયાર કરી બ્રિજ પર ઈન્સ્ટોલેશન માટે લઈ જવામાં આવ્યા હતા. આ બ્રિજ નીચેથી જહાજો સરળતાથી પસાર થઈ શકે તે માટે નેવિગેશનલ સ્પાનને 17મીટર જેટલો ઊંચો કરી શકાય છે. જેના માટે ઈલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમ લગાડવામાં આવી છે.
2024માં કાર્યાન્વિત થશેઃવર્ષ 2019માં 'પંબન બ્રિજ'નું નિર્માણકાર્ય શરુ થયું હતું. રેલવે અધિકારીઓ અનુસાર આ વિસ્તારમાં સુનામી અને દરિયાઈ તોફાનનો ખતરો રહે છે. તેથી આ કુદરતી આફતોમાં ટકી શકે તેવા આધુનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 'પંબન બ્રિજ'ની લંબાઈ 2.08 કિલોમીટર છે. જેના પર 2 રેલવે લાઈન છે. 545 કરોડ રુપિયાના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. તમિલનાડુ રાજ્યમાં બનેલ આ બ્રિજ સાઉથ રેલવેના મદુરાઈ ડિવિઝન હસ્તક આવે છે. ફેબ્રુઆરી 2024માં આ બ્રિજ કાર્યાન્વિત થઈ જશે. 'પંબન બ્રિજ'ને પરિમામે રામેશ્વરમ જતાં ભકતો અને શ્રદ્ધાળુઓને પણ મુસાફરીમાં રાહત મળશે.
- Banaskantha News : બનાસ નદીનો ઉંબરી રેલવે બ્રિજ પીલર ધોવાઇ ગયો, પસાર થતી ટ્રેનો પર પડી આ અસર
- ભોપાલમાં મુસાફરોથી ભરેલો બ્રિજ ધરાશાયી, અનેક લોકો ઇજાગ્રસ્ત