- સંજય નિષાદના નિવેદન પર વિપક્ષનો ભાજપને ઘેરવાનો પ્રયત્ન
- કોંગ્રેસે નિષાદ પાસે માફીની માંગણી કરી
- ઓવૈસી અને સપાએ ભાજપને વલણ સ્પષ્ટ કરવા કહ્યું
લખનૌ/પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ની સહયોગી નિષાદ પાર્ટી (Nishad Party)ના વડા અને વિધાન પરિષદના સભ્ય સંજય નિષાદે (Sanjay Nishad) દાવો કર્યો છે કે, ભગવાન રામ રાજા દશરથના નહીં, પણ શ્રૃંગી ઋષિ નિષાદના પુત્ર હતા. વિપક્ષે આ નિવેદન પર ભાજપ પાસે વલણ સ્પષ્ટ કરવાની માંગ કરી છે.
નિષાદે શું કહ્યું હતું?
નિષાદે ગયા રવિવારે પ્રયાગરાજમાં કહ્યું હતું, એવું કહેવાય છે કે ભગવાન રામનો જન્મ તેમની માતાને ખીર ખવડાવ્યા બાદ થયો હતો. હકીકતમાં એવું બન્યું ન હતું. તેથી જ કહેવાય છે કે રામ દશરથના કહેવાતા પુત્ર છે અને વાસ્તવમાં તેઓ શ્રૃંગી ઋષિ નિષાદના પુત્ર હતા.
નિષાદ અમારા સારા સાથી, સાથે ચૂંટણી લડીશું: ધર્મેન્દ્ર પ્રધાન
ઉત્તર પ્રદેશ માટે ભાજપના ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને સોમવારે અલ્હાબાદ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહથી અલગ ભગવાન રામ વિશે નિષાદની ટિપ્પણી વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, નિષાદે મને પણ ઘણું કહ્યું છે. તેમની પાર્ટી NDAનો ભાગ છે, તેઓ અમારા સારા સાથી છે અને અમે સાથે મળીને ચૂંટણી લડીશું. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં ભાજપના માછીમાર સેલ તરફથી એક મોટો કાર્યક્રમ થશે જેમાં અપના દળ, નિષાદ પાર્ટીના નેતાઓ પણ ભાગ લેશે.
વિપક્ષનો ભાજપને ઘેરવાનો પ્રયત્ન
ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વિજય બહાદુર પાઠકે આ વિશે પૂછવામાં આવતા કહ્યું કે, તેમને આ નિવેદન વિશે જાણકારી નથી. આ દરમિયાન વિપક્ષે નિષાદના આ નિવેદન પર ભાજપને ઘેરવાનો પ્રયત્ન કરતા પ્રશ્ન કર્યો કે, શું તેઓ આ નિવેદનથી સંમત છે? ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના વડા તેમજ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપને અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવત પાસે નિષાદના આ નિવેદન પર સ્પષ્ટતા કરવાની માંગ કરી છે.
નિષાદે ગંભીર મુદ્દાઓ પર વાત કરવી જોઇએ: સપા
સપાના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ વર્માએ કહ્યું કે, જો નિષાદ બીજેપી સાથે હાથ મિલાવ્યા બાદ આવી વાત કરે છે તો ભાજપને પૂછવું જોઈએ કે આ અંગે તેનું શું વલણ છે. તેમણે કહ્યું કે, નિષાદે બીજેપી સાથે આવતાની સાથે જ રામ રહીમ વિશે વાત કરવાનું શરૂ કરી દીધું. નિષાદ હવે MLC બની ગયા છે, તેમણે હવે ગંભીર મુદ્દાઓ પર વાત કરવી જોઈએ.
કોંગ્રેસે માફીની માંગણી કરી
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર લલન કુમારે નિષાદ પાસેથી બિનશરતી માફીની માંગણી કરતા આરોપ લગાવ્યો કે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ક્યારેક માતા સીતાનું અપમાન કરે છે અને ભગવાન હનુમાનને દલિત ગણાવે છે. એ જ રીતે નિષાદ પણ માનસિક નાદારીનો શિકાર બન્યા છે. તેમણે કહ્યું કે, ભગવાન રામ અને મંદિરને લઈને રાજનીતિ કરી રહેલી ભાજપે સ્પષ્ટ કરવું જોઈએ કે નિષાદના નિવેદન પર તેનું શું વલણ છે.
આ પણ વાંચો: ભોપાલઃ સરકારી હોસ્પિટલના બાળકોના વોર્ડમાં લાગી આગ, 8 બાળકોના મોત
આ પણ વાંચો:દેવેન્દ્ર ફડણવીસનો આરોપ- નવાબ મલિકનો અંડરવર્લ્ડ સાથે સંપર્ક...