ચેન્નાઈઃ વાતાવરણમાં ઉત્તર પૂર્વીય ડિસ્ટર્બન્સને લીધે બુધવારે ચેન્નાઈના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. જેમાં તાંબરમ, પલ્લાવરમ, અવાડી અને તિરુવલ્લૂર જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે. ગત રાત્રે તમિલનાડુના કેબિનેટ પ્રધાન પી. કે. શેખરબાબુ, ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન મેયર આર. પ્રિયા, કમિશ્નર જે. રાશકૃષ્ણને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે.
આ ઉપરાંત સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના 57 કર્મચારીઓ રેસ્ક્યૂ બોટ્સ, લાઈફ જેકેટ અને અન્ય રેસ્ક્યૂ ઈક્વિપમેન્ટ સાથે રેસ્કયૂ ઓપરેશન કરી રહ્યા છે. પ્રધાને જણાવ્યું કે ચેન્નાઈના અનેક વિસ્તારોમાં 10 સેમીથી વધુ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત અંબતૂરના અવાડી રેલવે સ્ટેશનમાં રેલવે ટ્રેક પાણીમાં ડૂબી જતા મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, મેંગ્લોર સેન્ટ્રલ મેલ, અલ્લાપ્પુઝા એસએફ એક્સપ્રેસ નીલગિરી એસએફ એક્સપ્રેસ, પલક્કડ એસએફ એક્સપ્રેસ અને કાવેરી એક્સપ્રેસ મોડી રવાના થઈ હતી. અવાડી પોલીસ સ્ટેશનમાં જ વરસાદના પાણી ઘુસી ગયા હતા. પોલીસ કર્મચારીઓએ જનરેટર કામે લગાડીને સ્ટેશનમાંથી પાણી બહાર કાઢ્યું હતું.