નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આજે મતગણતરી થશે. આ સાથે 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારના કોઈ નેતાને દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવશે. પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના એક અધિકારીએ જણાવ્યું હતુ કે, "આજે સવારે 10 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને તેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દેશના તમામ મતદાન મથકોમાંથી મતપેટીઓ કોંગ્રેસ મુખ્યાલયમાં લાવવામાં આવી છે. તેમને કોંગ્રેસ હેડક્વાર્ટરની અંદર બનેલા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે અને મતગણતરી પાર્ટી હેડક્વાર્ટરમાં જ થશે."
9500 પ્રતિનિધિઓ:એવું માનવામાં આવે છે કે, મતગણતરી પ્રસંગે બંને ઉમેદવારોના એજન્ટો ઉપરાંત તેમના સમર્થકો પણ કોંગ્રેસ મુખ્યાલય પહોંચી જશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ સહિત લગભગ 9500 પ્રતિનિધિઓએ સોમવારે પાર્ટીના નવા પ્રમુખને ચૂંટવા માટે મતદાન કર્યું હતુ. કોંગ્રેસના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના પ્રમુખ મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે,"લગભગ 96 ટકા મતદાન થયું હતું, જોકે સંપૂર્ણ આંકડાઓ સામે આવ્યા બાદ તેમાં થોડો ફેરફાર થઈ શકે છે."