જયપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 અંતર્ગત ભાજપ બાદ હવે સત્તા પક્ષ કૉંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. મંગળવારે પીસીસી કાર્યાલયમાં ચૂંટણી ઢંઢેરા સમિતિના ચેરમેન સી.પી. જોશીએ આ મેનિફેસ્ટોને જાહેર કર્યો હતો. આ દરમિયાન અનેક કૉંગ્રેસી દિગ્ગજ નેતા હાજર રહ્યા હતા. જેમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, વિધાનસભા અધ્યક્ષ સી.પી. જોશી, સચિન પાયલોટ, જયરામ રમેશનો સમાવેશ થાય છે.
કૉંગ્રેસે મેનિફેસ્ટોમાં 7 ગેરંટી આપી છે. સી. પી. જોશીએ જાહેર કરેલ મેનિફેસ્ટોમાં 2030 સુધી નવું રાજસ્થાન બનાવવાની જાહેરાત કરાઈ છે. જોશીએ કહ્યું કે મુખ્ય પ્રધાને 2030માં નવું રાજસ્થાન બનાવવા માટે અલગ અલગ વર્ગના લોકો સાથે બેઠકો કરી છે. આ બાબતને જન ઘોષણા પત્રનો આધાર બનાવવામાં આવ્યો છે. જેનો શ્રેય મુખ્ય પ્રધાન ગેહલોત અને રાજ્ય સરકારને ફાળે જાય છે.
એક નવું રાજસ્થાન બનાવવા માટે 2030ને ધ્યાનમાં રાખીને જન ઘોષણા પત્ર તૈયાર કરવામાં આવ્યું છે. ગૃહ લક્ષ્મી યોજનાનો નિર્ણય કૉંગ્રેસે લીધો છે. જેમાં પરિવારની મુખ્ય મહિલાને દસ હજાર આપવામાં આવશે. આ કૉંગ્રેસની પ્રમુખ ગેરંટી છે. ખેડૂતોને લમ્પી રોગમાં મૃતક પશુઓ પેટે સહાય પૂરી પાડવામાં આવશે. કામધેનુ યોજનમાં બે પશુઓનો વીમો સરકાર કરાવશે અને બે રુપિયે કિલો છાણ ખરીદશે.
કોલેજમાં અભ્યાસ કરતા યુવાઓને ફ્રી લેપટોપ, દરેક વિદ્યાર્થીને અંગ્રેજી શિક્ષણની ગેરંટી, વિવિધ સ્થળોએ અંગ્રેજી શાળાઓ શરુ કરવામાં આવશે. 500 રુપિયામાં ગેસ કનેક્શન, ઓપીએસ માટે કાયદો તેમજ સરકારી કર્મચારીઓને હૈયાધારણ આપવામાં આવશે. આ સાત ગેરંટીને કૉંગ્રેસ પોતાની ક્રેડિબિલિટી ગણી રહી છે. કૉંગ્રેસ 2030ના વિઝનને લઈને આગળ વધી રહ્યું હોવાનું સી.પી. જોશીએ જણાવ્યું છે. ખેડૂતો માટે એમએસપી કાયદો બનાવાશે. પંચાયત સ્તરે ભરતી કરાશે. પંચાયતી રાજની નવી કેડર બનાવાશે. અત્યારે પંચાયત સર્વિસની કેડર નથી.
અશોક ગેહલોતે જણાવ્યું છે કે કૉંગ્રેસની સમગ્ર ટીમે મેનિફેસ્ટો માટે બહુ મહેનત કરી છે. મિશન 2030ના 3.32 કરોડ નાગરિકો માટે અભિપ્રાય આપ્યા છે. જે જન ઘોષણા પત્રનો આધાર છે. કૉંગ્રેસે હંમેશા મેનિફેસ્ટોને ગંભીરતાથી લીધી છે. અમારા માટે સરકારી દસ્તાવેજ છે. અમારી વિચારધારા વચન આપવાની નથી પરંતુ વચન નિભાવવાની છે. આ વિચારધારા મલ્લિકાર્જુન અને રાહુલ ગાંધીની વિચારધારા છે. પેપરલીકને વિરોધીઓ મુદ્દા બનાવી રહ્યા છે. રાજસ્થાનમાં ખેડૂતોની જમીન કોઈ છીનવી ન શકે તે માટે પણ કાયદો છે અને તેના માટે એક આયોગ પણ છે.
સામાજિક સુરક્ષા અમારો ઉદ્દેશ્ય છે. અમે કેન્દ્ર સરકાર પાસે રાઈટ ટુ સોશિયલ સિક્યોરિટી માટે માંગણી કરી છે. આપણે વિશ્વગુરૂ બનવાની વાત કરીએ છીએ, જ્યારે આપણે ત્યાં કુપોષણ અને ભૂખમરો જોવા મળે છે. પહેલા આ બાબતે સુધારો. પાંચ વર્ષમાં પ્રતિ વ્યક્તિની આવક રાજસ્થાનમાં વધી છે. પ્રતિ વ્યક્તિની આવક 2030 સુધીમાં રાજસ્થાન નંબર 1 બને તેવું અમારુ સ્વપ્ન છે.
આ દરમિયાન સી. પી. જોશીએ કહ્યું કે અમારી ગેરંટી જ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. આ મેનિફેસ્ટો મહિલા સશક્તિકરણની મિસાલ છે. ત્યારબાદ અશોક ગેહલોતે કહ્યુ કે હું આ મેનિફેસ્ટો બદલ સી. પી. જોશીને ધન્યવાદ પાઠવું છું. અમારી સરકારે મેનિફેસ્ટોને હંમેશા મહત્વ આપ્યું છે. પાછલા દરેક વચનો પૂરા કરવામાં આવશે. 25 વર્ષ પહેલા પણ જ્યારે અમારી સરકાર બની હતી ત્યારે અમે મેનિફેસ્ટોને ગંભીરતાથી લઈ પ્રાથમિકતા આપી હતી. રાહુલ ગાંધી કહે છે કે જો તમે વચન આપો તો તેને પૂરુ કરો.
***આ ચૂંટણી ઢંઢેરાના મુખ્ય મુદ્દાઓ***
1. ગૃહલક્ષ્મી યોજના અંતર્ગત પ્રતિવર્ષ પરિવારની મુખ્ય મહિલાઓને 10 હજાર રુપિયા અપાશે.
2. કામધેનુ યોજના માટે બે પશુઓનો વીમો અને પશુઓના મૃત્યુ પર 45 હજારની સહાય.
3. ગાયોને મહત્વ આપવા માટે 2 રુપિયે પ્રતિ કિલો છાણ ખરીદાશે.
4. મનરેગામાં રોજગારની સમયમર્યાદા 150 દિવસની કરાશે.
5. રાજ્યમાં અંગ્રેજી માધ્યમની શાળા શરુ કરાશે.