નવી દિલ્હી :કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ સોમવારે દાવો કર્યો હતો કે, કોંગ્રેસ ન્યાયતંત્ર પર 'અનુચિત દબાણ' લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જ્યારે સુરતની કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે પાર્ટીના નેતાઓની યોજના પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધી તેમની 'મોદી સરનેમ' ટિપ્પણીને લગતા ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા સામે ગુજરાતના સુરતની કોર્ટમાં અપીલ દાખલ કરવા સોમવારે ત્યાં પહોંચશે. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો, અન્ય રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના નેતાઓ પણ તેમની સાથે આવી શકે છે.
કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું મારો પ્રશ્ન સીધો છે : રાહુલ ગાંધીના વકીલોએ કહ્યું કે, સેશન્સ કોર્ટ સોમવારે જ આ મામલાની સુનાવણી હાથ ધરી શકે છે. કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે, "મારો પ્રશ્ન સીધો છે. કોંગ્રેસ ન્યાયતંત્ર પર આ પ્રકારનું અનુચિત દબાણ કેમ લાવવાનો પ્રયાસ કરી રહી છે. ન્યાયિક મામલાઓને ઉકેલવાના રસ્તાઓ છે, પરંતુ શું આ રસ્તો છે?" તેમણે પૂછ્યું કે, શું આવો કોઈ મામલો સામે આવ્યો છે જ્યારે કોઈ પક્ષ કોર્ટનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.