મહારાષ્ટ્ર :મેજિસ્ટ્રેટ કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન સુનિલ કેદાર અને અન્ય પાંચ શખ્સને નાગપુર ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકમાં (NDCCB) ભંડોળના દુરુપયોગ બદલ પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. ઉલ્લેખનિય છે કે, જિલ્લા બેંકમાં 125 કરોડનું કૌભાંડ થયાનો આક્ષેપ છે.
એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેવી પેખલે-પુરકરે 2002 ના આ કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કુલ છ આરોપીઓને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. 28 ડિસેમ્બરના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત પાર્ટીના ટોચના પદાધિકારીઓ મહારાષ્ટ્રની મુલાકાત પર છે. ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસને આ મોટો આંચકો લાગ્યો છે.
સંજય અગ્રવાલ અને સહકારી બેંકના રૂ. 400 કરોડના હોમટ્રેડ કૌભાંડનો 2002 માં પર્દાફાશ થયો હતો. મેં 2002 થી સંસદ, RBI અને સરકારમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. આજે નાગપુર કોર્ટે કોંગ્રેસના મંત્રી સુનિલ કેદારને દોષિત જાહેર કર્યા છે. -- કિરીટ સોમૈયા (ભાજપ નેતા)
કોર્ટના જણાવ્યા અનુસાર સુનિલ કેદાર આ કૌભાંડનો પ્રાથમિક આરોપી હતો. અન્ય દોષિતોમાં જનરલ મેનેજર અશોક ચૌધરી, કેતન સેઠ, અમિત વર્મા, સુબોધ ભંડારી અને નંદકિશોર ત્રિવેદીનો સમાવેશ થાય છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પેખલે-પુરકરે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે, કેદાર અને અન્ય એક આરોપીને બેંકનો સંપૂર્ણ હિસ્સો સોંપવામાં આવ્યો હતો. આ ફંડમાં લોકોએ મહેનતથી કમાયેલા નાણાં હતા, જેમાંથી મોટાભાગના ગરીબ ખેડૂતો છે.
પ્રોસિક્યુશન મુજબ સુનીલ કેદાર આ કેસમાં સંડોવાયેલા હતા જેમાં બેંકને વર્ષ 2002 માં રૂપિયા 125 કરોડનું નુકસાન થયું હતું. કોર્ટે ધ્યાન દોર્યું હતું કે સહકારી ક્ષેત્રનો ઉદ્દેશ્ય સમાજના આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલા વર્ગની સ્થિતિ સુધારવાનો છે. ન્યાયાધીશે તેમના આદેશમાં જણાવ્યું હતું કે, કેદાર અને અશોક ચૌધરીને કાયદા દ્વારા નિર્ધારિત રીતે ફંડનું રોકાણ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ તેઓએ વિશ્વાસઘાત કર્યો હતો અને આ એક ફોજદારી ગંભીર ગુનો છે.
- Ram Mnadir: રામ મંદિરના ઉદ્ઘાટન પર હું ખુશ છું પરંતુ મને આમંત્રણ આપવામાં નથી આવ્યું : ડૉ. ફારૂક અબ્દુલ્લા
- કર્ણાટકમાં પ્રેમિકાએ પ્રેમી પોલીસકર્મીને સળગાવી દીધો