નવી દિલ્હી:ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે દાવો કર્યો હતો કે, વિપક્ષી પાર્ટી ફક્ત 'લૂંટની ગેરંટી' આપી શકે છે. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો છે કે,તેઓ ભ્રષ્ટાચારના માધ્યમથી ધન એકત્ર કરવા માટે કર્ણાટકને એટીએમમાં બદલી રહી છે. જેથી ચૂંટણીમાં પોતાની પાર્ટીના પ્રચાર માટે પૈસા એકઠા કરી શકાય. નડ્ડાએ કર્ણાટકમા વિવિધ એજેન્સીઓનાં દરોડામાં કેટલાંક કોન્ટ્રાક્ટરો પાસે 100 કરોડ રૂપિયાથી વધુની રકમ કથિત તરીકે મળવાનો હવાલો આપતા કહ્યું કે, આ શરમજનક છે અને મતદારો સાથે ઘૃણાસ્પદ મજાક છે.
કોંગ્રેસ પર પ્રહાર:નડ્ડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું કે, આ કોંગ્રેસના ભ્રષ્ટ 'ડીએનએ'નો જ એક નાનો નમૂનો છે. તેમણે કહ્યું કે, 'સત્તામાં આવતાની સાથે જ કર્ણાટકમાં કોંગ્રેસનો ભ્રષ્ટાચાર સુરસાના મુખની જેમ ફેલાઈ ગયો છે.' તેમણે તત્કાલીન ભાજપ સરકારમાં કોન્ટ્રાક્ટરોને જંગી કમિશન ચૂકવવા માટે દબાણ કરવાના આરોપોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, કૉંગ્રેસ દ્વારા સમર્થિત આજ કૉન્ટ્રાક્ટરો કર્ણાટક વિધાનસભા ચૂંટણી વખતે ભાજપ વિરુદ્ધ જુઠ્ઠાણું પીરસવામાં સક્રિય હતા. નડ્ડાએ કહ્યું કે, કોંગ્રેસ સરકારે ભ્રષ્ટાચારની આવકને મની લોન્ડરિંગ અને આગામી ચૂંટણીઓ માટે નાણાં એકત્ર કરવા માટે કર્ણાટકને એટીએમમાં ફેરવી દીધું છે. દેખીતી રીતે કોંગ્રેસ જે ગેરંટી આપી શકે છે, તે હંમેશા ભ્રષ્ટાચારની ગેરંટી છે. તેમણે 'કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એક જ સિક્કાની બે બાજુ ગણાવ્યાં. કોંગ્રેસની સરકારોએ છત્તીસગઢ અને રાજસ્થાનને પણ ભ્રષ્ટાચારનાં એટીએમ બનાવી દીધા છે, અને તેઓ તેલંગાણા અને મધ્યપ્રદેશને પણ આવું જ એટીએમ બનાવીને જનતાના પરસેવાની કમાણી લૂંટવા માંગે છે.