નવી દિલ્હીઃ કૉંગ્રેસ પાર્ટીએ મહિલા અત્યાચાર સંદર્ભે ભાજપ પર વાકપ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ મહિલા અત્યાચારો પ્રત્યે રાજસ્થાન સરકારને આડે હાથે લીધી હતી. તેના જવાબમાં કૉંગ્રેસે પલટવાર કર્યો છે. કૉંગ્રેસ જણાવે છે કે ભાજપા શાસિત રાજ્યમાં મહિલા અત્યાચારોની જવાબદારી ભાજપ ક્યારેય સ્વીકારતી નથી. જ્યારે કૉંગ્રેસ મહિલા અત્યાચારો વિરૂદ્ધ લડવા માટે હંમેશા તત્પર હોય છે. કૉંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો કે વડાપ્રધાન મોદી મણિપુર, ઉજ્જૈન અને મહિલા પહેલવાનો પર થતા અત્યાચારો પર એક શબ્દ બોલ્યા નથી. જ્યારે ચૂંટણી પ્રચાર કરવા રાજસ્થાન આવ્યા ત્યારે કૉંગ્રેસની સરકાર વિરુદ્ધ અપપ્રચાર કરી રહ્યા છે.
વડાપ્રધાને રાજસ્થાન સરકારને વખોડીઃ વડાપ્રધાને રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક જનસભાને સંબોધિત કરી ત્યારે રાજસ્થાનની કૉંગ્રેસ સરકાર પર મહિલા અત્યાચાર, કાયદા વ્યવસ્થા તેમજ અન્ય મુદ્દાઓ પર નિવેદન કર્યા હતા. વડાપ્રધાને 5 વર્ષના કૉંગ્રેસ શાસનને પરિણામે રાજસ્થાનની આબરુ ધૂળધાણી થઈ હોવાનું જણાવ્યું હતું. કૉંગ્રેસે જનતાને ભ્રમમાં નાંખીને રાજસ્થાનમાં સરકાર બનાવી હોવાનું વડાપ્રધાન બોલ્યા હતા. વડાપ્રધાનના મતે 5 વર્ષમાં કૉંગ્રેસે રાજસ્થાનમાં ભ્રષ્ટાચારી, ગુંડાગીરી, હુલ્લડો, અત્યાચારને મહત્વ આપ્યું છે. કૉંગ્રેસનો દરેક નેતા પોતાની જાતને રાજસ્થાન સરકાર માની બેઠો છે.