અમદાવાદ:આવકવેરા વિભાગ (IT)એ BBC ની દિલ્હી ઓફિસ પર દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, 60 થી 70 IT લોકોની ટીમ દરોડામાં સામેલ છે. આઈટી ટીમ બીબીસી ઓફિસમાં રાખેલા રેકોર્ડની તપાસ કરી રહી છે. કાર્યવાહી દરમિયાન સ્ટાફના ફોન સ્વીચ ઓફ કરવામાં આવ્યા છે. આ સાથે કેમ્પસમાં કોઈપણને આવવા-જવા પર રોક લગાવવામાં આવી છે.
ડોક્યુમેન્ટ્રી મામલે થયો હતો વિવાદ:હાલમાં જ ગુજરાત 2002 ના રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી "ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન" ના પ્રસારણને લઈને વિવાદ સામે આવ્યો હતો. સરકાર દ્વારા આ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો હતો. લોકો આ રેડને ડોક્યુમેન્ટ્રી સાથે જોડીને જોઈ રહ્યા છે. દરોડા અંગે આવકવેરા વિભાગ અથવા બીબીસી તરફથી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
દિલ્હી અને મુંબઇ સ્થિત BBCની ઓફિસ સીલ:મીડિયા રિપોર્ટ્સ અનુસાર આવકવેરા વિભાગના અધિકારીઓએ દિલ્હી અને મુંબઇ સ્થિત BBCની ઓફિસને સંપૂર્ણ રીતે સીલ કરી દીધી છે. સાથે જ તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરી લેવાયા હોવાની પણ માહિતી છે. તો એવી પણ માહિતી સામે આવી છે કે તમામ કર્મચારીઓને ઓફિસની બહાર ન જવા માટે કહેવામાં આવ્યું છે. તો સાથે જ મીડિયા ઈન્સ્ટિટ્યૂટની લંડન ઓફિસને પણ આવકવેરાના આ દરોડાની જાણકારી આપવામાં આવી હોવાની માહિતી છે.