- મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની મુખ્તાર કેસ પર સીધી નજર
- અવનિશ અવસ્થી પાસે મુખ્તાર અન્સારીની દરેક ક્ષણની માહિતી માગી
- મુખ્યપ્રધાને જણાવ્યું આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ
લખનૌ: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની મુખ્તાર કેસ પર સીધી નજર છે. મંગળવારે સવારે યોગીએ મુખ્ય સચિવ ગૃહ અવનિશ અવસ્થીને બોલાવીને મુખ્તાર અન્સારીને યુપીમાં લાવવા સંબંધિત તમામ માહિતી અંગે અપડેટ માગવા જણાવ્યું હતું. તેમણે મુખ્તારને લેવા 100 સુપર કોપ પોલીસકર્મીઓની ટીમની વિગતો પણ માગી હતી. CM યોગીએ મુખ્ય સચિવ ગૃહને નિર્દેશ આપ્યો કે આ મામલે બેદરકારી બિલકુલ સહન કરવામાં આવશે નહીં. તેમને દરેક ક્ષણની અપડેટ મળવી જોઈએ. મુખ્યપ્રધાને પણ મુખ્તારની એમ્બ્યુલન્સ કેસમાં નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ અને કોઈ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.
બાંદા જેલના મુખ્ય દરવાજા પર ચેકપોસ્ટ અને 5 ટાવર તૈયાર છે
સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય સચિવ ગૃહે મુખ્તાર અન્સારીને યુપી સ્થળાંતર કરવાની બાબતે મુખ્ય પ્રધાનને માહિતી આપી હતી. અવનિશ અવસ્થીએ વિશ્વાસ સાથે કહ્યું કે, આ મામલે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બાંદા જેલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેલમાં મુખ્તાર અન્સારી પર નજર રાખવા માટે 5 ટાવર બનાવવામાં આવ્યા છે. સુરક્ષા જવાનો આ ટાવરો પરથી મુખ્તારની વિશેષ બેરેકની દેખરેખ રાખશે. તેમજ જેલના મુખ્ય દરવાજા પર એક ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, જેમાં પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. પોલીસ ચોકી પર મુખ્તારને મળનારાની પ્રવૃત્તિઓ પર નજર રહેશે.
આ પણ વાંચો :UP સરકારે ચૂંટણી ડ્યૂટીમાં પોસ્ટ કરેલી કંપનીઓને મળવાપાત્ર સહાયની રકમ વધારવાનો નિર્ણય કર્યો