- ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવાય છે
- પંડિત જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ નિમિત્તે ઉજવાશે બાળ દિવસ
- પંડિત નહેરૂને બાળકો સાથે ખૂબ જ પ્રેમ હતો
હૈદરાબાદઃ આજે બાળ દિવસ (BAL DIWAS 2021) છે. ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. પંડિત નહેરૂ (Former Prime Minister) જેને ચાચા નહેરૂ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓને બાળકો સાથે ખૂબ જ પ્રેમ હતો.
બાળ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં ઘણા કાર્યક્રમોનું આયોજન
પંડિત નહેરૂ (Jawaharlal Nehru) એ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના દ્વારા બાળકોના વિકાસ અને પ્રગતિ માટે કામ કર્યું હતું. આ સાથે ભારતમાં બાળકોના કુપોષણને રોકવા માટે બાળકોને શાળાઓમાં દૂધ સહિત મફત પ્રાથમિક શિક્ષણ, મફત ખોરાક આપવાનું આયોજન કર્યુ હતું. બાળ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં સાંસ્કૃતિક અને મનોરંજક પ્રવૃત્તિઓ સહિતના ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સરકારી અને બિનસરકારી સંસ્થાઓ, શાળાઓ, NGO, ખાનગી સંસ્થાઓમાં સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન બાળકોના અધિકારો અને વિશેષાધિકારોનું રક્ષણ કરવાનું મહત્વ રેખાંકિત કરવામાં આવે છે.
પંડિત નહેરૂ બન્યા સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન
જવાહરલાલ નહેરૂ (Jawaharlal Nehru)નો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો. તેમના પિતા મોતીલાલ નહેરૂ બેરિસ્ટર હતા. જવાહરલાલ નહેરૂએ વિશ્વની કેટલીક શ્રેષ્ઠ શાળાઓ અને યુનિવર્સિટીઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી પૂર્ણ કરી હતી. વર્ષ 1912માં ઈંગ્લેન્ડથી ભારત પરત ફર્યા બાદ પંડિત નહેરૂએ વકીલાત શરૂ કરી હતી. જવાહરલાલ નહેરૂ 1917માં હોમ રૂલ લીગ ચળવળમાં જોડાયા હતા. રોલેટ એક્ટ વિરુદ્ધ ચળવળ દરમિયાન તેઓ 1919માં મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા અને મહાત્મા ગાંધીના સવિનય કાનૂન ભંગ ચળવળ તરફ આકર્ષાયા હતા.
26 જાન્યુઆરી 1930ના રોજ નહેરૂએ લાહોરમાં સ્વતંત્ર ભારતનો ધ્વજ ફરકાવ્યો
પંડિત નહેરૂ (Jawaharlal Nehru)એ 1920- 1922માં અસહકાર ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. આ દરમિયાન તેમની પ્રથમવાર ધરપકડ કરવામાં આવી હતી. થોડા મહિના પછી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. 1926થી 1928 સુધી જવાહરલાલ નહેરૂએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. ડિસેમ્બર 1929માં લાહોરમાં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન યોજાયું હતું, જેમાં જવાહરલાલ નહેરૂ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. આ સત્ર દરમિયાન એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં 'પૂર્ણ સ્વરાજ'ની માંગણી કરવામાં આવી હતી. 26 જાન્યુઆરી 1930ના રોજ જવાહરલાલ નહેરૂએ લાહોરમાં સ્વતંત્ર ભારતનો ધ્વજ ફરકાવ્યો હતો. ગાંધીજીએ 1930માં સવિનય કાનૂન ભંગ ચળવળની પણ હાકલ કરી હતી. આ ચળવળને મોટી સફળતા મળી અને બ્રિટિશ સરકારને મોટા રાજકીય સુધારાની જરૂરિયાત સ્વીકારવાની ફરજ પડી હતી.
વડાપ્રધાન તરીકે તેમના છેલ્લા શ્વાસ સુધી દેશની સેવા કરી હતી
1942માં ભારત છોડો ચળવળ દરમિયાન પંડિત નહેરૂની પણ ધરપકડ કરવામાં આવી હતી અને 1945માં મુક્ત કરવામાં આવ્યા હતા. આઝાદી પછી જવાહરલાલ નહેરૂ 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા અને 27 મે 1964 સુધી વડાપ્રધાન તરીકે તેમના છેલ્લા શ્વાસ સુધી દેશની સેવા કરી હતી. પંડિત નહેરૂએ આધુનિક મૂલ્યો અને વિચારસરણી સાથે આધુનિક ભારતને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ એક સમાજ સુધારક હતા અને સમાજ પ્રત્યેના તેમના મુખ્ય કાર્યોમાંનું એક પ્રાચીન હિન્દુ નાગરિક સંહિતામાં સુધારો કરવાનું હતું. તેમણે હિન્દુ વિધવાઓને મિલકત અને વારસાના સંદર્ભમાં પુરૂષો સાથે સમાન અધિકારો મેળવવાની છૂટ આપી હતી.