હૈદરાબાદ:આજના ડિજિટલ યુગમાં, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની વ્યાપક અસર ચિંતાનું કારણ બની ગઈ છે. ખાસ કરીને જ્યારે વાત યુવા પેઢીની આવે છે, ત્યારે બાળકોને જવાબદાર નાગરિક બનાવવા ખુબ જરૂરી છે, પરંતુ કમનસીબે અસંખ્ય લોકો સોશિયલ મીડિયાના આકર્ષણનો શિકાર થઈ રહ્યાં છે, જે નકારાત્મક પરિણામો તરફ દોરી જાય છે. મોબાઈલ ફોન અને સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મના વધુ પડતા ઉપયોગે તેમને આભાસી દુનિયામાં ફસાવી દીધા છે, જેના પરિણામે માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં અને ગુનાના દરમાં પણ ચિંતાજનક વધારો થયો છે. આ ઘટનાક્રમોમાં કુમળી વયના બાળકો અને કિશોરોમાં સોશિયલ મીડિયાના ઉપયોગને નિયંત્રિત કરવાની હિમાયત કરનાર કર્ણાટકની ઉચ્ચ અદાલતનું હાલનું વલણ મહત્વપૂર્ણ બની રહ્યું છે.
સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા વ્યક્તિના રોજિંદા જીવનનાં અનિવાર્ય ભાગ બની ગયો છે. ખાસ કરીને કોવિડ-19 મહામારી બાદ, જે રીતે ઓનલાઈન શિક્ષણનું ચલણ વધ્યું છે. જે અનુસંધાને નિયમિત દિનચર્યાના કારણે વિદ્યાર્થીઓ જાણે-અજાણે તેમના અભ્યાસની અવગણના કરી રહ્યાં છે, વિડિયો ગેમ્સ, વેબ સિરીઝ અને અહીં સુધી કે OTT પર પીરસાતી અપરાધ સંબંધિત સામગ્રીનો પણ વિકલ્પ પસંદ કરી રહ્યાં છે. નિષ્ણાંતો બાળકોના જીવન પર સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના વ્યસનની પ્રતિકૂળ અસરને લઈને ચિંતિત છે. જેને ધ્યાનમાં રાખીને, કર્ણાટક હાઈકોર્ટે સોશિયલ મીડિયા એકાઉન્ટ નોંધણી માટે 18 કે 21 વર્ષની વય મર્યાદા નક્કી કરવાની ભલામણ કરી છે, જે એક આવકાર્ય પગલું છે.
આરોગ્યની ચિંતા
'લોકલ સર્કલ્સ' દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના એક સર્વેક્ષણમાં 61 ટકા શહેરી બાળકો દ્વારા ડિજિટલ મીડિયાના વધુ પડતા ઉપયોગ અંગે માતાપિતાની વધતી જતી ચિંતાઓ પર પ્રકાશ પાડ્યો છે. માતા-પિતાને શંકા છે કે, તેમના બાળકોમાં સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમિંગ અને OTT પ્લેટફોર્મ્સ પ્રત્યે વ્યસનયુક્ત વ્યવહાર વિકસીત થઈ રહ્યો છે. આ વ્યસન, જેમ કે ત્રણ વ્યક્તિઓ માંથી એકને લાગે છે, જે બાળકોમાં આવેગ અને માનસિક હતાશાને પણ જન્મ આપે છે. પરિસ્થિતિની ગંભીરતા ઉજાગર કરતું તથ્ય એ છે કે, 73 ટકા માતાપિતા 18 વર્ષથી ઓછી વયના બાળકો માટે આ ડિજિટલ પ્લેટફોર્મ્સ સુધી પહોંચવા માતાપિતાની મંજૂરીને કાયદાકીય સંમતિ આપે છે. સર્વે દર્શાવે છે કે 9 થી 17 વર્ષની વયના બાળકોની નોંધપાત્ર સંખ્યા સોશિયલ મીડિયા, વીડિયો/OTT પ્લેટફોર્મ્સ પર પર્યાપ્ત કરતા વઘુ સમય વિતાવે છે, જેમાં 46% દૈનિક 3 થી 6 કલાક અને 15% 6 કલાકથી વધુ સમય વિતાવે છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન્સ રાઈટ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અન્ય સર્વેમાં આ ચિંતા દર્શાવાઈ છે. જેમાં સમાન વય જૂથના 15% થી વધુ બાળકો સ્માર્ટફોન પર દરરોજ ચાર કલાકથી વધુનો સમય વિતાવે છે. આ ડિજિટલ માધ્યમોનું પરિણામ ચિંતાજનક છે. 23% થી વધુ બાળકો સૂવાના સમય પહેલા સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે, જ્યારે 76 ટકા ઉંઘતા પહેલાં ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરે છે. જે તેમની ઊંઘની ગુણવત્તાને અસર કરે છે. જેનાથી માનસિક બીમારીઓ વધી રહી છે, શારીરિક પ્રવૃતિના અભાવે મેદસ્વીતા વધી રહી છે, અને યુવાનોમાં આંખની બિમારીઓ વધી રહી છે. અભ્યાસોથી જાણવા મળ્યું છે કે, COVID-19 મહામારી દરમિયાન લાંબા સમય સુધી સ્ક્રીન પર રહેવાની પ્રવૃત્તિ કારણભૂત છે. આ ઉપરાંત, ફિલ્મો, સિરિયલો અને વેબ સિરીઝમાં હિંસક સામગ્રીનુ પ્રદર્શન બાળકોને અપરાધ અને ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ દોરે છે. તેથી વાલીઓએ બાળકોમાં ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના ઉપયોગ પર મજબૂત દેખરેખ રાખવાની અને તેને નિયંત્રિત કરવાની તાત્કાલિક જરૂર છે.