ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છઠ પૂજા મહાપર્વની આજથી શરુઆત, મહિલાઓ માટેના નહાય ભોજનનો અનેરો મહિમા

બિહાર જેવા ઉત્તર ભારતીય રાજ્યોમાં છઠ પૂજાનો માહોલ છવાયો છે. નહાય ભોજન સાથે જ આ છઠ પૂજા નામક મહાપર્વની શરુઆત થઈ ચૂકી છે. છઠ પૂજાના માહાત્મ્ય અને વિશેષતાઓ વિશે વાંચો વિગતવાર

છઠ પૂજા મહાપર્વની આજથી શરુઆત, મહિલાઓ માટેના નહાય ભોજનનો અનેરો મહિમા
છઠ પૂજા મહાપર્વની આજથી શરુઆત, મહિલાઓ માટેના નહાય ભોજનનો અનેરો મહિમા

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 11:32 AM IST

પટનાઃ છઠ પૂજાની તિથિ છે કારતક મહિનાના શુકલ પક્ષની છઠ. જો કે આ મહાપર્વ હોવાથી તેની શરુઆત બે દિવસ પહેલાથી જ થઈ જાય છે. આ પર્વનું સમાપન સાતમના રોજ થાય છે. સમાપનમાં સૂર્યોદયે જળ ચઢાવવાનું વિશેષ મહત્વ છે. છઠ પૂજાની શરુઆતના દિવસોમાં નહાય ભોજનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસ છઠ પૂજાનો પહેલો દિવસ ગણાય છે.

નહાય ભોજન વિશેઃ છઠ પૂજામાં શુદ્ધતાનું બહુ મહત્વ છે. વ્રત કરનારે શુદ્ધ રહેવું પડે છે. આ દિવસે વહેલી સવારે શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં સ્નાન કરે છે. ગંગા નદીની પૂજા અર્ચના કરે છે. જો ગંગા નદી સુધી જવું અશક્ય હોય તો ઘરની નજીકના તળાવ કે નદીમાં સ્નાન કરીને તેની પૂજા કરવામાં આવે છે. ઘરે પરત ફર્યા બાદ કોળાનું શાક, દૂધી-ચણાની દાળ અને ભાતનું રાંધણ મુકવામાં આવે છે. આ વાનગી પહેલા ઘરની મહિલાઓને પીરસવામાં આવે છે. મહિલાઓના માથે તિલક કરી તેમને ભરપેટ જમાડવામાં આવે છે. ત્યારબાદ જ ઘરના અન્ય સભ્યો આ વાનગી આરોગે છે.

છઠ પૂજા એટલે પ્રકૃતિની પૂજાઃ છઠ પૂજામાં કુદરત અને તેના વિવિધ તત્વોની પૂજાનું વિશેષ મહત્વ રહેલ છે. છઠ પૂજામાં કોઈ મૂર્તિ કે ફોટાની પૂજા કરવામાં નથી આવતી. આ પર્વમાં ઉગતા અને આથમતા સૂર્યની પૂજા કરવામાં આવે છે. જળને પણ સૂર્ય જેટલું મહત્વ આપીને તેની વિશેષ પૂજા કરવામાં આવે છે.

સૂર્યદેવની આરાધનાઃ છઠ પૂજામાં નદી, તળાવ જેવા જળાશયોમાં ઊભા રહીને ઉગતા અને આથમતા સૂર્યની પૂજા કરવામાં આવે છે. પૂજામાં જે પ્રસાદ લેવામાં આવે છે તે સંપૂર્ણ રીતે કુદરતી હોય છે. આ કુદરતી પદાર્થોનું છઠ પૂજામાં અનેરુ સ્થાન છે. જેમાં નવો ગોળ, નવા ચોખા, નવા ઘઉં, ગાયનું ઘી, ઋતુગત ફળફળાદી, લીલા વાંસની છાબડી સૂર્યદેવને અર્પણ કરવામાં આવે છે.

સમગ્ર પરિવાર કરે છે છઠ પૂજાઃ આ એક માત્ર તહેવાર એવો છે જેમાં કોઈ પૂજારી કે વિશેષ જ્ઞાનીની જરુર રહેતી નથી. સમગ્ર પરિવાર છઠ પૂજામાં જોડાય છે. ઘરના જે સભ્યએ વ્રત કર્યુ હોય તેને સમગ્ર પરિવાર અર્ધ્ય આપે છે. આ અર્ધ્યમાં ગાયના દૂધ અને ગંગાજળનું મિશ્રણ કરવામાં આવે છે.

છઠ પૂજાનો બીજો દિવસ એટલે ખરનાઃ આ વર્ષે છઠ પૂજાનો બીજો દિવસ આવતીકાલે એટલે કે 18મી નવેમ્બરે છે. આ દિવસને ખરના તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે વ્રતી સાંજે નવા ચોખા, નવો ગોળ અને ગાયના દૂધથી બનેલ ખીરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેમજ નવા ઘઉંમાંથી તૈયાર કરેલ રોટલી આરોગે છે. આ દિવસે છઠ માતાને આ ખીર, રોટલી અને ફળોનો ભોગ ધરાવવામાં આવે છે. આ ખોરાક માટે કેળાના પત્તાનો ઉપયોગ કરવામાં આવે છે. લોકો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ખીર અને રોટલીનો પ્રસાદ આરોગે છે. આ સાથે જેણે વ્રત રાખ્યું હોય તેના 36 કલાકના ઉપવાસ શરુ થાય છે.

ત્રીજા દિવસે સાંજે અર્ધ્યઃ છઠ પૂજાના ત્રીજા દિવસે 19 નવેમ્બરે ગોળ અને લોટના મિશ્રણને ઘીમાં તળીને 'ઠેકુઆ' તૈયાર કરવામાં આવે છે. આ સિવાય ચોખા અને ગોળમાંથી લાડવા પણ બનાવવામાં આવે છે. સાંજે ઋતુગત ફળ જેવા કે નારિયેળ, કેળા, નારંગી, સફરજન, મોટા લીંબુ વગેરેનો ઉપયોગ કરીને લીલા વાંસની છાબડીને શણગારવામાં આવે છે.

કોસી પૂજા વિશેઃ છઠ પૂજાનું જેણે વ્રત લીધુ હોય તે વ્રતી સાંજે તળાવ, નદી, જળાશય કે ગંગા નદીમાં અથવા છત પર રાખેલા ટબમાં પણ કોસી પૂજા કરી શકે છે. જેમાં સ્નાન કર્યા બાદ સૂર્યની વિશેષ પૂજા કરવામાં આવે છે. જેને કોસી પૂજા કહેવામાં આવે છે. કોસી પૂજામાં શેરડીનો મંડપ બનાવીને આખી રાત દિવો પ્રગટાવી રાખવાનું સવિશેષ મહત્વ છે.

ચોથા દિવસે ઉગતા સૂર્યની પૂજાનો મહિમાઃ છઠ પૂજાના ચોથા દિવસે એટલે કે 20 નવેમ્બરે આ મહાપર્વ સમાપ્ત થઈ જાય છે. ચોથા દિવસે ઉગતા સૂર્યની પૂજા અર્ચના કરી અર્ધ્ય આપવામાં આવે છે. આગલા દિવસની જેમજ વાંસની છાબડીને ફળોથી સજાવી તેમાં નવો પ્રસાદ અને અર્ધ્ય મૂકવામાં આવે છે. આ છાબડી અને અર્ધ્ય સૂર્ય દેવને અર્પણ કરી તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. હવન અને પૂજા પત્યા બાદ વ્રતી પ્રસાદ લઈને પોતાનું વ્રત સમાપન કરે છે. ત્યારબાદ ભકતોમાં પ્રસાદ વહેંચવામાં આવે છે. આટલી વિધિ બાદ સમગ્ર મહાપર્વ એવા છઠ પૂજાનું સમાપન થાય છે.

શુભ મુહૂર્તઃ17 નવેમ્બરે સૂર્યોદયઃ સવારે 06.45 કલાકે, સૂર્યાસ્તઃ સાંજે 05.27 કલાકે, 18 નવેમ્બરે સૂર્યોદયઃ સવારે 06.46 કલાકે, સૂર્યાસ્તઃ સાંજે 05.26 કલાકે, 19 નવેમ્બરે આથમતા સૂરજની વિશેષ પૂજા કરવામાં આવે છે. સૂર્યાસ્તઃ સાંજે 05.26 કલાકે, 20 નવેમ્બરે ઉગતા સૂરજની વિશેષ પૂજા કરવામાં આવે છે. સૂર્યોદયઃ સવારે 06.47 કલાકે થશે.

  1. અસ્ત થતા સૂર્યની પૂજા કરાઇ છે અહિંયા, ધામધૂમ પૂર્વક છઠ પૂજાની ઉજવણી
  2. Chhath Pooja 2021: વાપીમાં દમણગંગા નદી કિનારે કરાઈ છઠ પૂજા, શ્રદ્ધાળુઓ માટે કરાઈ વિશેષ આયોજન

ABOUT THE AUTHOR

...view details