નવી દિલ્હીઃસોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ (social Media plateform) પર જે તે એપ્લિકેશન તથા સામગ્રીને લઈને ફરિયાદ થઈ શકશે. જેનો સંતોષકારક રીતે નીવડો આવે એ માટે સરકારે શુક્રવારે આઈટી સંબંધીત નિયમોમાં ફેરફાર કર્યા હતા. જે માટે સરકારે આગામી ત્રણ મહિનામાં (Ministry of Electronics and Information Technology) અપીલીય સમિતીની રચના કરવા માટે આદેશ આપ્યા છે. મેટા અને ટ્વિટર જેવી સોશિયલ મીડિયા કંપની તરફથી આપવામાં આવતા કોન્ટેન્ટ સંબંધીત નિયમમાં કેટલાક ફેરફાર કરાયા છે.
સિમિતી નિમાશેઃ શુક્રવારે જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, ત્રણ મહિનામાં આ નવી સમિતીની રચના થશે. જે સોશિયલ મીડિયા સંબંધીત કેસમાં યોગ્ય પ્રક્રિયા કરીને એનો ઉકેલ લાવશે. સરકારે આઈટી એક્ટ 2021ના નિયમમાં કેટલાક બદલાવ કરેલા છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કેન્દ્ર સરકારના આઈટી સંશોધન નિયમ 2022ને લાગુ કરવાની તારીખથી ત્રણ મહિનામાં વિભાગ તરફથી ફરિયાદ સમિતીની રચના કરાશે. જે સમિતીમાં એક ચેરપર્સન અને કેન્દ્ર સરકાર તરફથી નિયુક્ત બે ફૂલટાઈમ સભ્યો રહેશે. જેમાંથી એક સભ્ય સ્વતંત્ર સભ્ય તરીકે કામ કરશે.
નિરિક્ષણ થશેઃ જોગવાઈ અનુસાર ફરિયાદી અધિકારી સામે અસહમત કોઈ પણ વ્યક્તિ ફરિયાદી અધિકારી પાસેથી સૂચના મળ્યાના એક મહિનામાં અપીલીય સમિતીમાં એની ફરિયાદ કરી શકે છે. જોકે, આ નિયમથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે પણ ગાળીયો કસાઈ શકે છે. સોશિયલ મીડિયા ગ્રીવેન્સ પેનલ સમિતીની રચના બાદ તમામ સોશિયલ મીડિયાના કોન્ટેન્ટ પર નિરિક્ષણ કરવામાં આવશે. જે સોશિયલ મીડિયાના નિર્ણયની સામે પોતાના નિર્ણય જાહેર કરશે. આ અંગે કેન્દ્રીય આઈટી પ્રધાન રાજીવ ચંદ્રેશખરે (IT minister Rajeev Chandrasekhar) પણ ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે સુરક્ષા સંબંધી વાતનો ઉલ્લેખ કર્યો છે.
શું ધ્યાન રખાશેઃ ધાર્મિક કોન્ટેન્ટની સાથે પોર્નોગ્રાફી, ટ્રેડમાર્કનો ભંગ ખોટી જાણકારી જેવા અનેક કોન્ટેન્ટ પર ધ્યાન રખાશે. જેનાથી દેશની અખંડિતતાને અસર પહોંચી શકે છે. આ પ્રકારના કોઈ પણ કોન્ટેન્ટની ફરિયાદ કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી કરી શકાશે. સરકાર તરફથી છેલ્લા ઘણા સમયથી આ વિષય પર ચોક્કસ અને નક્કર કામ થાય એ માટેની તૈયારીઓ શરૂ કરાઈ હતી. પણ મોટાભાગની ટેક કંપનીઓ આને ટાળી રહી હતી. તે સેલ્ફ રેગ્યુલેશનની વકીલાત કરી રહી હતી. જેના કારણે મુદ્દાને ટાળવામાં આવતો હતો. સરકારે નવા નિયમ જાહેર કરીને એ નક્કી કરી નાંખ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે પૂરતી અને પૂરી ફરિયાદ થઈ શકે છે.