- નાણા મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે ચાર દિવસોમા કુલ 44,000 કરોડ રૂપિયાની ચૂકવણી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કરાઇ
- “જીએસટીના વળતર તરીકે આ રીતે વર્ષ 2020-21 માટે કુલ 70,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરાઈ છે,” નિવેદનમા જણાવ્યું
- પાંચ વર્ષો સુધી રાજ્યોને વળતર ચૂકવવાનું છે
ભારતઃ જીએસટી ઍક્ટ (કૉમ્પેનસેશન ટુ સ્ટેટ્સ) 2017 પ્રમાણે કેન્દ્ર સરકારે પાંચ વર્ષ સુધી રાજ્યોને તેની મહેસૂલમા જે ઘટ પડી છે, તેનું વળતર ચૂકવવાનું છે. જુલાઈ 2017થી ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નો અમલ શરૂ થયો છે. તેના કારણે જે વસ્તુઓના કરની આવક રાજ્યોએ ગુમાવી છે, તેના બદલામા વળતર આપવાનું નક્કી થયું હતું. રાજ્યોની મહેસૂલી આવકમા દર વર્ષે 14ટકા ટકાનો વધારો થશે તેવી ગણતરી માંડીને તે આધારે વળતર નક્કી કરવામા આવે છે.
કોરોના સંકટના કારણે વેપારધંધા ખોરવાઈ ગયા હતા
જોકે આ વર્ષે કેન્દ્ર સરકારે GSTનું વળતર ચૂકવવામાં અસમર્થતા દાખવી હતી, કેમ કે કોરોના સંકટના કારણે વેપારધંધા ખોરવાઈ ગયા હતા. તેના પરિણામે જીએસટીની આવક ઘટી હતી અને GST કૉમ્પેનસેશન સેસની આવક પણ થઈ શકી નહોતી. દેશના જીડીપીમા આ વર્ષે 8ટકાનો ઘટાડો થયો હતો. વર્ષ દરમિયાન વેરાની કુલ આવકમા 30-35 ટકા સુધીનો ઘટાડો થવાનો અંદાજ છે.
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના જીએસટીના બાકીના 44,000 કરોડ રૂપિયા છૂટા કર્યા આ પણ વાંચોઃરાજ્યમાં GSTના 62 કરોડ ઉઘરાવવાના બાકી રાજ્યોને 1,10,208 કરોડ રૂપિયાનું ધિરાણ મંજૂર કરવામા આવ્યું
સરકારની મહેસૂલની આવક ઘટી ગઈ અને રાજ્યોના વળતર માટેની સેસ પણ વસૂલ કરી શકાય તેમ નહોતી. તેથી આવકમા ઘટ પડે તેની પૂર્તિ કરવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને જણાવ્યું હતું કે, તેઓ ધિરાણ લઈ શકે છે. આ માટે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા તરફથી ધિરાણની શરતોમા રાહત સહિતની જાહેરાતો પણ કરવામા આવી હતી. સાથે જ એ પણ જાહેરાત કરવામા આવી હતી કે આ વર્ષે રાજ્યોને ચૂકવવામા જે ઘટ પડી છે, તેની ચૂકવણી આગામી વર્ષોમા કરવામાં આવશે. આ માટે જરૂર પડ્યે રાજ્યોને વળતર માટેની મુદત પાંચ વર્ષથી પણ વધુ લંબાવી શકાય છે. નાણા મંત્રાલયે જણાવ્યું કે, જીએસટી કાઉન્સિલે લીધેલા નિર્ણય પ્રમાણે રાજ્યોને 1,10,208 કરોડ રૂપિયાનું ધિરાણ મંજૂર કરવામા આવ્યું હતું.
હજી પણ 63,000 કરોડ રૂપિયાનું GST લેણું બાકી
છેલ્લા ચાર દિવસોમા કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 44,000 કરોડ રૂપિયા છૂટા કર્યા તે પછી રાજ્યોને ચૂકવવાનું પૂરેપૂરું વળતર ચૂકવાયું નથી. GST Compensation Act, 2017 પ્રમાણે રાજ્યોને જે રકમ ચૂકવવી જરૂરી છે, તેમાની હજી પણ 63,000 કરોડ રૂપિયાની રકમ ચૂકવવાની બાકી છે.
30,000 કરોડ રૂપિયાનું GST લેણું ચૂકવાયું
રાજ્યોને જીએસટીના વળતર તરીકે 30,000 કરોડનું લેણું ચૂકવાયું છે, તેમાથી સૌથી મોટો લાભ મહારાષ્ટ્ર સરકારને મળ્યો છે. મહારાષ્ટ્રને 4,446 કરોડ રૂપિયા મળ્યા છે. દર મહિને વળતરની રકમ ગણાતી હોય છે અને દર બે મહિને તેની ચૂકવણી થતી હોય છે.
અલગ-અલગ રાજ્યોને રુપિય મળ્યા છે
મહારાષ્ટ્ર બાદ કર્ણાટકને 2,970 કરોડ રૂપિયા, ગુજરાતને 2,574 કરોડ રૂપિયા, તામિલનાડુને 2,193 કરોડ રૂપિયા, ઉત્તર પ્રદેશને 2,094 કરોડ રૂપિયા અને દિલ્હીને 1,748 કરોડ રૂપિયા મળ્યા છે. અન્ય છ રાજ્યોને 1,000 કરોડ રૂપિયાથી વધુ મળ્યા છે. તેમા આ રાજ્યોનો સમાવેશ થાય છેઃ પંજાબને 1,707 કરોડ રૂપિયા, પશ્ચિમ બંગાળને 1,309 કરોડ રૂપિયા, કેરળને 1,378 કરોડ રૂપિયા, રાજસ્થાનને 1,176 કરોડ રૂપિયા, મધ્ય પ્રદેશને 1,108 કરોડ રૂપિયા અને હરિયાણાને 1,020 કરોડ રૂપિયા મળ્યા છે. આંધ્ર પ્રદેશને 742 કરોડ રૂપિયા, આસામને 308 કરોડ રૂપિયા, બિહારને 818 કરોડ રૂપિયા, છત્તીસગઢને 635 કરોડ રૂપિયા, ગોવાને 246 કરોડ રૂપિયા, હિમાચલ પ્રદેશને 338 કરોડ રૂપિયા, જમ્મુ અને કાશ્મીરને 419 કરોડ રૂપિયા, ઝારખંડને 461 કરોડ રૂપિયા, મેઘાલયને 42 કરોડ રૂપિયા, ઓડિશાને 786 કરોડ રૂપિયા, પુડુચેરીને 140 કરોડ રૂપિયા, સિક્કિમને 3.7 કરોડ રૂપિયા, તેલંગાણાને 771 કરોડ રૂપિયા, ત્રિપુરાને 47 કરોડ રૂપિયા અને ઉત્તરાખંડને 517 કરોડ રૂપિયા મળ્યા છે.
IGST સેટલમેન્ટ તરીકે 14,000 કરોડ રૂપિયા
આ ઉપરાંત મંગળવારે કેન્દ્ર સરકારે 37 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ 14,000 કરોડ રૂપિયા IGST સેટલમેન્ટ તરીકે ચૂકવ્યા છે. પાંચ રાજ્યોને એડહોક ધોરણે 1,000 કરોડથી વધુ રૂપિયા IGST સેટલમેન્ટ તરીકે મળ્યા છે. મહારાષ્ટ્રને 2,115 કરોડ રૂપિયા, કર્ણાટકને 1,263 કરોડ રૂપિયા, ઉત્તર પ્રદેશને 1,167 કરોડ રૂપિયા, તામિલનાડુને 1,041 કરોડ રૂપિયા, અને ગુજરાત 1,009 કરોડ રૂપિયા મળ્યા છે.
આ પણ વાંચોઃGST કાઉન્સિલની 42મી બેઠક, વિરોધી રાજ્યો લોન વિકલ્પનો કરી શકે છે વિરોધ