- કોરોનાના વધતાં કેસો વચ્ચે મોદી સરકારનો નિર્ણય
- રેમડેસીવીરના નિકાસ પર પ્રતિબંધ મૂકાયો
- સરકાર દર્દીઓ અને હોસ્પિટલો સુધી સરળતાથી ડ્રગ મળે તેની વ્યવસ્થા કરશે
નવી દિલ્હી: કોવિડ -19ના કેસોમાં વધારાને કારણે રેમડેસીવીરની માગમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રવિવારે કહ્યું હતું કે, પરિસ્થિતિ સુધરતા સુધી એન્ટી-વાયરલ ઇન્જેક્શન અને તેની સક્રિય દવા સામગ્રી (એપીઆઈ) ના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રેમડેસીવીર ઇન્જેક્શનના નિકાસ પર ભારતે મૂક્યો પ્રતિબંધ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આ સિવાય દવાની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે રેમડેસીવીરના તમામ ઘરેલું ઉત્પાદકોને તેમની વિક્રેતાઓ અને વિતરકોની માહિતી તેમની વેબસાઇટ પર પ્રદર્શિત કરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: EXCLUSIVE : PCB દ્વારા રેમડીસીવીર ઇન્જેક્શનના કાળાબજારી કરતા બેની ધરપકડ
રાજ્યના આરોગ્ય સચિવો રેમડેસીવીર ઇન્જેક્શન અંગે સમીક્ષા કરશે
દવા નિરીક્ષકો અને અન્ય અધિકારીઓને સ્ટોકની ચકાસણી કરવા, ગેરરીતિઓની તપાસ કરવા અને તેના હોર્ડિંગ અને કાળી બજારીને રોકવા માટે અન્ય અસરકારક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. રાજ્યોના આરોગ્ય સચિવો સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના દવા નિરીક્ષકો સાથે આ બાબતની સમીક્ષા કરશે.
રેમડેસીવીર ઇન્જેક્શનની માગ વધી
મંત્રાલયે કહ્યું કે, ભારતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. દેશમાં 11 એપ્રિલ સુધીમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 11.08 લાખ છે અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે. આને કારણે કોવિડ દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઇન્જેક્શનની માગ ઝડપથી વધી છે.