નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે લશ્કરી કાર્યવાહી (Russia Attack Ukraine) શરૂ કરી હોવાથી મોટા સંઘર્ષની આશંકા વચ્ચે ભારત તેના નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને પૂર્વી યુરોપીયન દેશમાંથી મદદ કરવાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત યુક્રેનમાં "ઝડપથી બદલાતી" પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ભારતીયોને કેવી રીતે મદદ કરવી તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી
કેન્દ્ર સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી (Indian Embassy Advisory) જારી કરી છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને કહ્યું છે કે, યુક્રેનની વર્તમાન પરિસ્થિતિ અનિશ્ચિતતાઓથી ભરેલી છે. તમે અત્યારે જ્યાં પણ છો, શાંતિ અને સલામતીથી જીવો. પછી તે તમારું ઘર હોય, હોસ્ટેલ હોય કે બીજે ક્યાંય. યુક્રેનની રાજધાની કિવમાં ભારતીય દૂતાવાસે આ એડવાઈઝરી જારી કરતાં વધુમાં જણાવ્યું હતું કે, "જે કોઈ કિવની યાત્રા કરી રહ્યું છે, તેમને તેમના વતન પરત ફરવાનું સૂચન કરવામાં આવે છે."
અમારું સંપૂર્ણ ધ્યાન ભારતીય નાગરિકો
આ સાથે તેમણે કહ્યું કે, આ સિવાય અન્ય માહિતી માટે વધુ સૂચનો ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. અમે ઝડપથી બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમારું સંપૂર્ણ ધ્યાન ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી પર છે. સૂત્રોએ જણાવ્યું કે, વિદેશ મંત્રાલય દ્વારા થોડા દિવસો પહેલા સ્થાપિત કરાયેલા કંટ્રોલ રૂમનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે અને તેને 24 કલાક કામકાજના ધોરણે ચલાવવામાં આવી રહ્યો છે.
ભારતીય નાગરિકો માટે હેલ્પલાઈન નંબર
યુક્રેનની એરસ્પેસ બંધ હોવાથી ભારતીય દૂતાવાસના સ્ટાફ સહિત ભારતીયોને પરત લાવવા માટે વિશેષ વિમાન મોકલવામાં આવે તેવી શક્યતા નથી. આ સાથે સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે હેલ્પલાઈન (Ukraine Helpline for Indian) નંબર પણ જારી કર્યા છે. આ ટોલ ફ્રી નંબરો છે જેના દ્વારા વર્તમાન પરિસ્થિતિ વિશે વધુ માહિતી મેળવી શકાય છે.