- દેશમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા વિપક્ષોએ કરી વિનંતી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 4 રાજ્યના મુખ્યપ્રધાને અને 12 વિપક્ષોએ પત્ર લખ્યો
- કોરોના સંક્રમણ અટકાવવા અંગે પગલા લેવા કરી માગ
હૈદરાબાદ: દસ દિવસ પહેલા દેશની અલગ અલગ પાર્ટીઓના નેતાઓએ કેન્દ્રને તમામ આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં ઓક્સિજનના અવિરત વિતરણ માટે વિનંતી કરી હતી. પરંતુ આ અંગે ચોક્કસ પ્રતિભાવ ન મળતા ચાર રાજ્યોના મુખ્યપ્રધાનો અને 12 વિપક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે પત્ર લખી મહામારીને અટકાવવા ચોક્કસ પગલાં લેવાની માગ કરી છે.
સમગ્ર દેશમાં મફત રસીકરણની માગ
વિપક્ષોએ સમગ્ર દેશમાં મફત રસીકરણ માટે બજેટમાંથી રૂ.35,000 કરોડ ફાળવવા ઉપરાંત સંક્રમણ ફેલાવવાની પદ્ધતિ અંગે પણ રજૂઆત કરી છે. દેશમાં કોરોના રસીની અછત એ દર્શાવે છે કે કેન્દ્ર દ્વારા રસીકરણના આયોજનનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્રને મફત રસીકરણ અંગે અનેક પ્રશ્નો પૂછ્યા હતા.
જુલાઈ સુધી રસીની અછત રહે તેવી શક્યતા
કોર્ટ દ્વારા કેન્દ્રને પૂછવામાં આવ્યું હતું કે દેશમાં ગરીબ અને પછાત વર્ગના લોકો કે જેમને કોરોના સંક્રમણની વધુ માર પડી રહી છે, મહામારીથી તેમના રક્ષણ માટે સરકાર શું કરી છે? વિપક્ષોએ આ અંગેની તેમની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. દેશમાં વેક્સિન ની અછત છેક જુલાઈ સુધી રહે તેવી શક્યતા છે. ઉપરાંત ઓક્સિજન અને અન્ય કોરોનાની દવાઓની પણ જુલાઈ સુધી અછત રહે તેવી શક્યતાઓ છે. કેન્દ્ર દ્વારા આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટેના યોગ્ય પગલાં લેવાવા જોઇએ તેમ વિપક્ષોએ રજૂઆત કરી છે.
દેશમાં 37 લાખ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
દેશમાં 1 લાખ કરતાં વધારે કોરોના એક્ટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે જ્યારે 37 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના મૃત્યુઆંક 4000 થી નીચે નથી જઈ રહ્યો. ICMR દ્વારા પરિસ્થિતિમાં સુધાર આવે તે માટે 530 જિલ્લાઓમાં 8 અઠવાડિયા જેટલું લોકડાઉન કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 10 ટકા કરતાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.
જો ખરેખર લોકડાઉન લાગુ થાય તો ગરીબ અને મજૂર વર્ગનું શું?
અમેરિકા જેવા વિકસિત દેશ ની સરકારે આર્થિક રીતે નબળા વર્ગ માટે આશરે 138 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જે હેઠળ બેરોજગાર લોકો તેમજ નાનો બિઝનેસ કરતા લોકોને સીધી જ આર્થિક રાહત આપવામાં આવશે. આ જ પ્રકારે ભારતમાં પણ જો વ્યવસ્થા કરવામાં આવે તો મહામારીને લીધે વણસેલી પરિસ્થિતિ હજુપણ કાબૂમાં આવી શકે છે તેમ ભારતીય અર્થશાસ્ત્રી જીન ડ્રેઝે જણાવ્યું હતું. હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીને મજૂર વર્ગ માટે અનાજની વ્યવસ્થા કરવા આદેશ આપ્યા છે.