- કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) સોમવારે કર્યો મોટો નિર્ણય
- ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ એક વર્ષમાં 2 વખત લેવામાં આવશે
- એક સત્રમાં 2 વખત લેવાનારી પરીક્ષામાં 50-50 ટકા અભ્યાસક્રમ રખાશે
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને જોતા (CBSE)એ પરીક્ષા રદ કરવી પડી હતી. ત્યારે (CBSE) સોમવારે એક મોટો નિર્ણય કર્યો છે. હવે શૈક્ષણિક સત્ર 2021-22ને 2 ભાગમાં વહેંચવામાં આવશે અને ધોરણ 10 અને 12ની પરીક્ષા એક જ વર્ષમાં 2 વખત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ દરેક સત્રમાં 50 ટકા અભ્યાસક્રમ રાખવામાં આવશે. ગયા વર્ષની જેમ વર્ષ 2021-22ના અભ્યાસક્રમમાં પણ ઘટાડો કરાશે. આ અંગેનું નોટિફિકેશન આ મહિને જ જાહેર કરાશે.
આ પણ વાંચોઃGujarat Board Exam 2021 : રાજકોટના વિદ્યાર્થીઓ નિરાશ, કહ્યું ' અમારી સાથે અન્યાય થયો '
સ્કૂલોએ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પાઠ્યક્રમ અને અભ્યાસક્રમનું પાલન કરવું પડશેઃ CBSE
CBSEના જણાવ્યાનુસાર, વર્ષ 2021-22 શૈક્ષણિક સત્રને સિસ્ટેમેટિક એપ્રોચના આધારે 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આ એપ્રોચ માટે વિષય નિષ્ણાતોએ કોન્સેપ્ટ અને ટોપિક્સનો સારો અભ્યાસ કર્યો છે. વહેંચાયેલા અભ્યાસક્રમના આધારે જ CBSE વર્ષમાં 2 વખત પરીક્ષા લેશે. CBSEએ વિસ્તૃત નિવેદનમાં કહ્યું હતું કે, આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી શૈક્ષણિક સત્રના અંત સુધી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ કરાવવાની સંભાવના બની રહે. શૈક્ષણિક સત્ર માટે જોકે સ્કૂલોને બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પાઠ્યક્રમ અને અભ્યાસક્રમનું પાલન કરવું પડશે. સ્કૂલો પાસે આ જ વિકલ્પ હશે કે, તેઓ વૈકલ્પિક એકેડેમિક કેલેન્ડરનો ઉપયોગ કરે અને પાઠ્યક્રમને લાગુ કરવા માટે NCERTથી ઈનપુટલઈ શકે છે.