- બંગાળ કેડરના વરિષ્ઠ અધિકારીઓ એસઆઈટી તપાસ માટે ટીમનો ભાગ હશે
- અન્ય કેસોની તપાસ એસઆઈટી કરશે
- હત્યા અને દુષ્કર્મના કેસની તપાસ સીબીઆઈ કરશે
કલકત્તા: મુખ્યપ્રધાન મમતા બેનર્જીને મોટો આંચકો આપતાં કોલકાતા હાઇકોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદની હિંસાની તપાસ સીબીઆઇને સોંપી હતી. આદેશ આપતી વખતે હાઈકોર્ટે કહ્યું કે, સીબીઆઈ કોર્ટની દેખરેખ હેઠળ જ તપાસ કરશે. હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, હત્યા અને દુષ્કર્મના કેસની તપાસ સીબીઆઈ કરશે, જ્યારે અન્ય કેસોની તપાસ એસઆઈટી કરશે. હાઈકોર્ટે કહ્યું કે, બંગાળ કેડરના વરિષ્ઠ અધિકારીઓ એસઆઈટી તપાસ માટે ટીમનો ભાગ હશે.
આ પણ વાંચો- Exclusive : ગુજરાતમાં ખેલા હોબે દિવસની ઉજવણી માટે TMC દ્વારા માગવામાં આવી મંજૂરી
હાઈકોર્ટની પાંચ સભ્યોની બેન્ચે હિંસા સંબંધિત જનહિત યાચિકા પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો
તમને જણાવી દઈએ કે, 3 ઓગસ્ટના રોજ કલકત્તા હાઈકોર્ટની પાંચ સભ્યોની બેન્ચે હિંસા સંબંધિત જનહિત યાચિકા પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. હાઈકોર્ટે સંબંધિત પક્ષોને તે જ દિવસ સુધીમાં કોઈ વધારાના દસ્તાવેજો રજૂ કરવા પણ કહ્યું હતું. હાઈકોર્ટે રાજ્ય સરકારને એ પણ પૂછ્યું હતું કે, શું 13 જુલાઈના રોજ સુપરત કરવામાં આવેલા એનએચઆરસીના અંતિમ અહેવાલમાં અતિવ્યાપી થનારા કોઇ પણ કેસોમાં કોઈ સ્વત:સંજ્ઞાન લેવામાં આવ્યું હતું.
માનવ અધિકાર પંચે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી
માનવાધિકાર પંચની તપાસ સમિતિએ પોતાના રિપોર્ટમાં મમતા બેનર્જી સરકારને દોષિત ગણાવી હતી. પંચે તેના અહેવાલમાં કહ્યું હતું કે, દુષ્કર્મ અને હત્યા જેવા કેસોની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ અને આ કેસોની સુનાવણી બંગાળની બહાર થવી જોઈએ. બીજી બાજુ, અન્ય કેસોની તપાસ વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા થવી જોઈએ. સંબંધિતોની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના થવી જોઈએ, ખાસ સરકારી વકીલો તૈનાત રાખવા જોઈએ અને સાક્ષીઓને સુરક્ષા આપવી જોઈએ.
પંચે હાઈકોર્ટના આદેશ પર જ પેનલનું ગઠન કર્યું હતું