- કેપ્ટન રામ સિંહ ઠાકુરીએ બનાવી હતી રાષ્ટ્રગીતની ધૂન
- સ્વાતંત્ર્ય સેનાની હતા રામ સિંહ ઠાકુરી
- બીજું વિશ્વ યુદ્ધ લડ્યા, ઝાદ હિંદ ફોજના પણ સિપાહી હતા
ધર્મશાલા: ભારતના અનેક વીર સપૂતોએ વર્ષો સુધી ચાલેલી આઝાદીની લડાઈનું પોતાના લોહીથી સિંચન કર્યું. કોઈએ અહિંસાના રસ્તે જઇને યુદ્ધ લડ્યું, તો કોઈએ ગોળી અને બંદુકથી. પરંતુ જરૂરી નથી કે યુદ્ધ હંમેશા હથિયારોથી લડવામાં આવે. ભારતના એવા ગુમનામ સ્વતંત્રતા સેનાની જેમણે હાથથી બંદૂક છોડીને વાયલિન પકડ્યું અને સંગીતને પોતાનું હથિયાર બનાવ્યું અને દેશના લોકોની નસોમાં જુસ્સો ભરી દીધો. તેઓ હથિયાર ચલાવવામાં પણ પારંગત હતા અને સંગીતમાં પણ પારંગત હતા. તેમનું નામ હતું કેપ્ટન રામ સિંહ ઠાકુરી.
રાષ્ટ્રગીતની ધૂન આપી છે રામસિંહ ઠાકુરી
જ્યારે પણ ભારતના લોકો રાષ્ટ્રગીતની ધૂન સાંભળીને સાવધાનમાં ઉભા રહે છે, તો આપણને આને લખનારા મહાકવિ રવિન્દ્રનાથ ટાગોરની યાદ આવે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે આપણા રાષ્ટ્રગીત 'જન ગણ મન'ની ધૂન હિમાચલ પ્રદેશમાં જન્મેલા એક ગોરખા રામસિંહ ઠાકુરીએ તૈયાર કરી હતી. રામસિંહ ઠાકુરી એક સ્વાતંત્ર્ય સેનાની હતા. સંગીતથી તેમને ઘણો જ લગાવ હતો, પરંતુ રાષ્ટ્રની ધૂનના આ રચયિતા દેશમાં તો છોડો આજે હિમાચલમાં પણ અજાણ્યા છે, ઉપેક્ષિત છે. ગુમનામીના આ ઘોર અંધારામાં ન તો પ્રદેશ સરકારે અંદર ઝાંખવાનો પ્રયત્ન કર્યો અને ન તો દેશની સરકારે.
ધર્મશાલાના ખનિયારામાં થયો જન્મ
15 ઑગસ્ટ 1914ના ધર્મશાલાના ખનિયારામાં જન્મેલા રામ સિંહનું બાળપણ ધૌલાધાર ઝોનમાં આવેલા ખનિયારા ગામમાં વિત્યું. બાળપણથી જ રામસિંહને સંગીતનો શોખ હતો અને તેમના નાનાજી નાથૂ ચંદે તેમને આગળ વધવા માટે પ્રેરિત કર્યા. બાળપણમાં પ્રાણીઓના સિંગડાથી સંગીત વાદ્યના સૂર નીકાળનારા રામ સિંહ ફક્ત 14 વર્ષની ઉંમરમાં અંગ્રેજોની ગોરખા રાઇફલમાં સામેલ થયા. અહીં પણ તેમણે પોતાના સંગીત શોખને છોડ્યો નહીં. સેનામાં પણ તેમણે સતત સંગીત શીખ્યું.
બીજા વિશ્વ યુદ્ધમાં જાપાની સેનાએ બંદી બનાવ્યા
મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, સેનામાં જાણીતા બ્રિટિશ સંગીતકાર, હડસન એન્ડ ડેનિશથી બ્રાસ બેન્ડ, સ્ટ્રિંગ બેન્ડ અને ડાન્સ બેન્ડની પણ મેં ટ્રેનિંગ લીધી. કેપ્ટન રોઝ પાસેથી વાયલિન શીખ્યું. ઑગસ્ટ 1941માં તેમને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સેનાની સાથે મલય અને સિંગાપુર મોકલવામાં આવ્યા. અહીં જાપાની સેનાએ યુદ્ધ દરમિયાન ભારતીય બ્રિટિશ સેનાના અનેક સૈનિકોને કેદી બનાવ્યા. આ સૈનિકોમાં લગભગ 200 સૈનિકો ભારતીય હતા, જેમાંથી રામ સિંહ પણ એક હતા.
છૂટ્યા બાદ નેતાજી સાથે સંપર્ક
1942માં કેદ કરવામાં આવેલા ભારતીય સૈનિકો જાપાનથી મુક્ત થયા બાદ નેતાજી સુભાષ ચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજ બનાવી. રામ સિંહ પણ આઝાદ હિંદ ફોજમાં સામેલ થયા. અહીં રામસિંહની મુલાકાત સુભાષ ચંદ્ર બોઝ સાથે થઈ. જ્યારે તેઓ પહેલીવાર નેતાજીને મળ્યા તો તેમણે તેમના સન્માનમાં મુમતાઝ હુસૈનના લખેલા ગીતને પોતાની ધૂન આપીને તૈયાર કર્યું. એ ગીત હતું, 'સુભાષજી, સુભાષજી, વો જાને હિન્દ આ ગયે, હૈ નાઝ જીસ પે હિન્દ કો વો જાને હિન્દ આ ગયે.'