હૈદરાબાદઃ દર વર્ષે કેન્સરના 14,00,000 નવા દર્દીઓ નોંધાય છે તેમજ આ રોગના 8,50,000થી વધુ દર્દીઓના મૃત્યુ થાય છે. ભારતમાં કેન્સર સુનામી એક મોટી ચિંતાજનક બાબત તરીકે ઊભરી આવી છે. જેટલા દર્દી નોંધાયા છે તેના કરતા 1.5થી 3 ગણા વધુ દર્દીઓ કેન્સર ગ્રસ્ત છે. આનું મુખ્ય કારણ એ છે કે કેન્સર રોગના દર્દીઓની યોગ્ય રીતે નોંધણી થતી નથી. ધી ગ્લોબલ કેન્સર એબ્જર્વેટરી(GLOBOCAN) સંસ્થા જણાવે છે કે વર્ષ 2040માં આ આંકડો બમણો થઈ શકે છે.
ભારત અને કેન્સર રોગઃ WHOના 2020ના રેન્કિંગ અનુસાર ભારત આ રોગમાં સમગ્ર વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ભારતથી આગળ બે દેશોમાં ચીન અને યુએસએનો સમાવેશ થાય છે. WHOના ગંભીર આંકડા પરથી ખ્યાલ આવે છે કે આવનારા વર્ષોમાં 9માંથી 1 ભારતીયને તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કેન્સર થઈ શકે છે. જ્યારે 15 કેન્સરના દર્દીઓમાંથી 1 દર્દીનું મૃત્યુ થઈ શકે છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે અન્ય વિકાસશીલ દેશોની સરખામણીએ આ આંકડો ઝડપથી વધી રહ્યો છે. અનુમાન છે કે ભારતમાં કેન્સરની ઘટનાઓ CAGR (Compound Annual Growth Rate-કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ-ચક્રવૃદ્ધિ વ્યાજ દર)ના દરે વધી રહી છે. 2015થી 2020 વર્ષ દરમિયાન ભારતમાં આ દર 6.8 ટકા, ચીનમાં 1.3 ટકા, બ્રાઝિલ 4.5 ટકા અને ઈન્ડોનેશિયા 4.8 ટકા તેમજ યુકે જેવા વિક્સિત દેશમાં 4.4 ટકા છે. ભારતમાં જે કેન્સરના દર્દીઓ નોંધાય છે તેમાં માથુ-ગરદન, સ્તન અને ગૈસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સરના દર્દીઓ 50 ટકાથી વધુ જોવા મળે છે. ભારતમાં પુરુષોને ફેફસા અને મહિલાઓમાં સ્તન કેન્સરના કેસ સૌથી વધુ જોવા મળે છે. ભારતમાં કેન્સર વિશે જાગૃતિનો અભાવ, એક સ્ટ્રોન્ગ રાષ્ટ્રવ્યાપી સ્ક્રીનિંગ કાર્યક્રમનો અભાવ, અપૂરતી આરોગ્ય દેખરેખ, તબીબી સ્ટાફનો અભાવને પરિણામે 70 ટકાથી વધુ કેન્સરના દર્દીઓ રોગના હાયર સ્ટેજમાં પહોંચી જાય છે. યોગ્ય સમયે નિદાન ન થવાને પરિણામે અનેક દર્દીઓ જીવ ગુમાવે છે.
ઉપાયઃ કેન્સરનું નિદાન ગંભીર સામાજિક, આર્થિક, શારીરિક અને ભાવનાત્મક રીતે ગંભીર બાબત છે. આ એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે જે માત્ર દર્દી પર જ નહીં પરંતુ સમગ્ર પરિવાર પર અસર કરે છે. તેથી જ કેન્સરનું સમયસર નિદાન થવું અને તેની આરોગ્ય સારવાર શરુ થવી બહુ મહત્વપૂર્ણ છે.
ભારતમાં કેન્સરનું પ્રમાણ ઘટાડવાના સૂચક અને સચોટ ઉપાયો
1. કેન્સરને અટકાવોઃ
WHOના નવા રિપોર્ટ અનુસાર અંદાજિત એક તૃતિયાંશથી લઈને અડધા જેટલા કેન્સરને અટકાવી શકાય છે. કેન્સરને અટકાવવા માટે કેન્સરની સારવારને મહત્વનું અંગ બનાવવું જોઈએ. જેમાં પ્રાથમિક આરોગ્ય સારવાર અને સક્રિય દેખરેખ અગત્યની છે. પ્રાથમિક આરોગ્ય સારવારમાં દર્દીને કાર્સિનોજન્સથી દૂર રાખવો જોઈએ. જેવા કે તમાકુ, દારુ, હાનિકારક ખાદ્ય પ્રણાલિ, વિકિરણનો સંપર્ક અને એચપીવી રસીકરણ વગેરે. 2018માં કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારત કાર્યક્રમ શરુ કર્યો હતો જેમાં આ પ્રકારના કાર્યોનો પણ સમાવેશ થાય છે.
2. જાગૃતિઃ
કેન્સરના સમયસર નિદાન માટે લોકોમાં જાગૃતિ પેદા કરવી બહુ જરુરી છે. તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ધ પિંક રિબન કેમ્પેન. ઉષાલક્ષ્મી બ્રેસ્ટ કેન્સર ફાઉન્ડેશન એક બ્રેસ્ટ કેન્સર ચેરિટી કરતું એનજીઓ છે. આ સંસ્થાએ ધ પિંક રિબન કેમ્પેન શરુ કર્યુ હતું. તેલુગમાં આ અભિયાનને પરિણામે કેન્સર વિશે ખૂબ જ જાગૃતિ ફેલાઈ છે. છેલ્લા 16 વર્ષોમાં આ રાજ્યોમાં સ્તન કેન્સર વિશે અનેક દર્દીઓમાં સમયસર નિદાન થયું છે. જેનું પરિણામ પરિવર્તનીય રહ્યું છે. આ રાજ્યમાં 40 વર્ષથી વધુની મહિલાઓની સંખ્યા વધુ છે તેમણે વાર્ષિક સ્ક્રીનિંગ મેમોગ્રામ પ્રોગ્રામ માટે જાગૃત કરવાાં આવી. સરકારે પણ તમાકુ અને સિગારેટની પ્રત્યક્ષ જાહેરાત પર પ્રતિબંધ લાદી દીધો છે. જો કે આ ઉત્પાદનોનો સરોગેટ એડવર્ટાઈઝમેન્ટ હજુ પણ પ્રસારિત થઈ રહ્યા છે જેમાં સેલેબ્સ પણ ભાગ લેતા હોય છે. જેમાં માઉથ ફ્રેશનર્સ, ઈલાયચી અને પાન મસાલાની બ્રાન્ડનો સમાવેશ થાય છે. આ જાહેરાતો પર તાત્કાલિક પ્રતિબંધ લગાડવાની જરુર છે. સરોગેટ એડવર્ટાઈઝમેન્ટને અટકાવવા એક કડક કાયદો બનાવવો જોઈએ.
3. રોગનું સમયસર નિદાનઃ
કેટલાક કેન્સરનું નિદાન સ્ક્રીનિંગના માધ્યમથી ઝડપી થઈ શકે છે. કેન્સર રોગના લક્ષણો દેખાવા મળે તેના અનેક સમય પહેલાથી જ આ રોગ શરીરમાં પ્રવેશી જાય છે. તેથી જો સમયસર સ્ક્રીનિંગ કરાવવામાં આવે તો કેન્સરનું નિદાન સમયસર થઈ શકે છે. જેમાં દર્દીને બચાવવાની સંભાવના અનેકગણી વધી જાય છે. વિવિધ કેન્સર માટે વિવિધ પ્રકારનું સ્ક્રીનિંગ હાથ ધરાય છે. જેમ કે સર્વાઈકલ કેન્સર માટે પૈપ સ્મીયર, સ્તન કેન્સર માટે મૈમોગ્રાફી, કોલન કેન્સર માટે કોલોનોસ્કોપી. ભારત સરકારે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ કેન્સરના સ્ક્રીનિંગનો કાર્યક્રમ હાથ ધર્યો છે. જેમાં મોઢા, ગર્ભાશય, ગળું અને સ્તન કેન્સરના સ્ક્રીનિંગને આવરી લેવાયું છે. જો કે આ સ્ક્રીનિંગના આંકડા નિરાશાજનક છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ અનુસાર 1.1 ટકા દર્દીઓમાં સર્વાઈકલ કેન્સર, 1 ટકા દર્દીઓમાં સ્તન અને મોઢાનું કેન્સરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. સરકાર હૃદય રોગ, ડાયાબિટીસ, કેન્સર અને સ્ટ્રોક જેવા રોગોમાં જે રીતે અભિયાનો ચલાવે છે તેવા અભિયાનો કેન્સરના રોગમાં પણ શરુ કરવા જોઈએ.
4. કેન્સરના વધુમાં વધુ દર્દીઓનું રજિસ્ટ્રેશન આવશ્યકઃ
કેન્સરના દર્દીઓ વધુ સંખ્યામાં સાજા થાય તે માટે તેમનું વધુ સંખ્યામાં રજિસ્ટ્રેશન થવું આવશ્યક છે. ભારતમાં જેટલા કેન્સરના દર્દીઓ છે તેમાંથી માત્ર 38 ટકાનું જ રજિસ્ટ્રેશન થયેલ છે. જે ભારતની કુલ વસ્તીના 10 ટકા જેટલું છે. આ રજિસ્ટ્રેશનમાં માત્ર 2 ટકા જ ગ્રામીણ વિસ્તારના દર્દીઓ છે, જયારે મોટાભાગના દર્દીઓ શહેરી વિસ્તારના છે. જો કે વિડંબણા એ છે ભારતની મોટાભાગની વસ્તી ગામડાંમાં વસે છે. રજિસ્ટ્રેશનમાં ફંડિંગ પણ મોટો અવરોધ બને છે. જે યોગ્ય રજિસ્ટ્રેશન અને ડેટા એનાલિસિસને મર્યાદિત બનાવી દે છે. આંધ્ર પ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને રાજસ્થાન જેવા મોટા રાજ્યોમાં હજુ સુધી એક પણ રજિસ્ટ્રેશન થયા નથી. દેશમાં 268 કેન્સર આધારિત હોસ્પિટલ્સ કાર્યરત છે. જો કે ગ્રામીણ ક્ષેત્રોમાં કેન્સર રજિસ્ટ્રેશનને સઘન બનાવવાની આવશ્યકતા છે.
5. કેન્સર રોગને 'નોટિફાયેબલ ડિસીઝ' તરીકે વર્ગીકૃત કરવો જોઈએ
વર્ષ 2022ના સપ્ટેમ્બરમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણની સંસદીય સ્થાયી સમિતિ આ મુદ્દે રજૂઆત કરી હતી. નોટિફાયેબલ ડિસીઝ તરીકે કેન્સરનું વર્ગીકરણ થવાથી કેન્સર પ્રત્યે જાગૃતિ વધશે તેમજ કેન્સરના રોગને પરિણામે થતા મૃત્યુનો ડેટાબેઝ પણ બનશે.
6. કોમ્પ્રીહેન્સીવ કેન્સર સેન્ટર
કેન્સરના રોગીઓના નિદાનથી લઈ સઘન સારવાર એક જ સેન્ટરમાં ઉપલબ્ધ થાય તો કેન્સરના રોગને માત આપી શકાય છે. કેન્સરના કોમ્પ્રીહેન્સીવ કેન્સર સેન્ટરમાં એક જ છત નીચે રેડિયોલોજી સેવાઓ, હાઈટેક પ્રયોગશાળા, ઈમ્યૂનોહિસ્ટોકેમિસ્ટ્રી, આણ્વિક નિદાન તેમજ પરમાણુ ચિકિત્સા સેવાઓ શક્ય બને તો ઘણો ફરક પડી શકે તેમ છે. ભારતમાં વર્તમાનમાં 500 કોમ્પ્રીહેન્સીવ કેન્સર સેન્ટર્સ કાર્યરત છે. જેમાંથી 25થી 30 ટકા ગર્વમેન્ટ બોડીના કોમ્પ્રીહેન્સીવ કેન્સર સેન્ટર્સ છે જ્યારે બાકીના પ્રાઈવેટ અથવા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. મોટા ભાગના કોમ્પ્રીહેન્સીવ કેન્સર સેન્ટર્સ મોટા શહેરો અને રાજ્યોના પાટનગરોમાં છે. પરિણામે ગ્રામીણ વિસ્તારના કેન્સરના દર્દીને યોગ્ય સારવાર માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે. આ મુસાફરી દર્દી અને તેના સાથી પરિવારજનો માટે ખૂબ જ પીડાદાયક હોય છે. તેથી ગ્રામીણ ક્ષેત્રે કેન્સરની જાગૃતિ અને નિદાન માટે બેઝિક ઈન્ફ્રાસ્ટ્રકચર વધારવા માટે યુદ્ધના ધોરણે કામ થાય તે આવશ્યક છે.
નેશનલ કેન્સર અવેરનેસ ડેની સાચી ઉજવણીઃ ભારતમાં કેન્સરની જાગૃતિ, નિદાન અને સારવાર ક્ષેત્રે અનેક પડકારો રહેલા છે. આપણે અત્યારે અભૂતપૂર્વ વૈજ્ઞાનિક પ્રગતિ કરી રહ્યા છીએ તેમ છતા આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ભારતમાં કેટલાક કોમ્પ્રીહેન્સીવ કેન્સર સેન્ટર્સ બહુ ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડે છે. કેન્સરના દર્દીઓની ઓળખ સુનિશ્ચિત થયા તે માટે આપણે લાંબી મજલ કાપવાની છે. ઉપચાર સિવાય પણ કેન્સર જેવા રોગમાં દેખરેખ સંબંધી ખામીઓને દૂર કરવા માટે આપણે ટેકનોલોજીનો લાભ લેવા અંગે પણ વિચારવું રહ્યું. સરકારે કેન્સરને નોટિફાયેબલ ડિસીઝ તરીકે વર્ગીકૃત કરવા પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. ભારતમાં કેન્સર રોગની જાગૃતિ, નિદાન, દેખરેખ, સારવાર જેવા ક્ષેત્રોમાં આપણે યોગ્ય પગલા ભરીને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસને સાચી રીતે ઉજવી શકીશું.
- Breast Cancer: મહિલાઓમાં સ્તન કેન્સર અંગે જાગૃતિ લાવવા વિશેષ સેમિનારનું આયોજન
- Surat News: સુરતમાં યોજાયો અનોખો ફેશન શો, કેન્સર સર્વાઈવર્સે કર્યુ રેમ્પ વોક