- ભારત-કેનેડાના પ્રવાસીઓ માટે સારા સમાચાર
- ભારત-કેનેડાની સોમવારથી સીધી ફ્લાઇટ સેવા શરૂ
- 5 મહિના પછી ભારતથી સીધી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવી
નવી દિલ્હી : કોરોનાના કારણે સમગ્ર દુનિયા પર અસર થઇ છે. તેમાં ખાસ કરીને દરેક દેશોએ પોતાની બોર્ડર્સને લઇને જે કડક નિયંત્રણો લગાવ્યા હતા.જેના કારણે ભારતના વિદ્યાર્થીઓ કે જેઓ વિદેશમાં ભણવા જવા માંગતા હોય તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં ડેલ્ટા વેરિએન્ટના કેસ નોંધાયા બાદ ઘણા બધા દેશોએ ભારતથી સીધી ફ્લાઇટ પર રોક લગાવી દીધી હતી. આ દેશોમાં કેનેડા પણ સામેલ છે. ભારત અને સમગ્ર એશિયામાંથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ કેનેડા જતા હોય છે. ફ્લાઇટ્સ પર બેન હોવાના કારણે તેમને ભારે મુસિબતનો સામનો કરવો પડતો હતો.
કેનેડાએ આ વર્ષે એપ્રિલમાં પ્રતિબંધ લાદ્યો હતો
કેનેડાએ લગભગ 5 મહિના પછી ભારતથી સીધી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કેનેડાએ આ વર્ષે એપ્રિલમાં પ્રતિબંધ લાદ્યો હતો. તે સમયે ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યું હતું. એરલાઇન પ્રદાતા કેનેડા એર સોમવારથી બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરી શકે છે. તે જ સમયે, ભારતની સરકારી કંપની એર ઇન્ડિયા 30 સપ્ટેમ્બરથી તેની ફ્લાઇટ શરૂ કરી શકે છે.
કોરોના વાયરસના RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી
ટ્રાન્સપોર્ટ કેનેડાએ ટ્વીટ કર્યું કે, 27 સપ્ટેમ્બરથી ભારતથી આવતી સીધી ફ્લાઇટ્સ કેનેડામાં ઉતરી શકે છે. જો કે, જાહેર સલામતીના વધારાના પગલાં લેવા પડશે. તેમણે કહ્યું કે મુસાફરી કરનારાઓએ દિલ્હી એરપોર્ટ પર માન્ય લેબમાંથી કોરોના વાયરસના RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. આ અહેવાલ વિમાનની ઉડાનના 18 કલાકની અંદર જારી થવો જોઈએ.